માર્ક
11ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો આરંભ, ઈશ્વરનો દીકરો.
2જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે,
"જુઓ, હું તારા મુખ આગળ મારા દૂતને મોકલું છું,
તે તારો માર્ગ તૈયાર કરશે;
3રાનમાં પોકારનારની એવી વાણી,
પ્રભુનો માર્ગ તૈયાર કરો;
તેના રસ્તા સીધા કરો."'
4યોહાન, રાનમાં બાપ્તિસ્માં આપતો અને પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્માં પ્રસિદ્ધ કરતો હતો. 5અને આખા યહૂદિયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેમની પાસે ગયા અને બધાં પોતાના પાપ કબુલ કરીને યર્દન નદીમાં, તેનાથી બાપ્તિસ્માં પામ્યા. 6અને યોહાનનો પોશાક ઊટનાં રૂઆંનો ને તેની કમરે ચામડાનો પટ્ટો હતો, અને તે તીડો તથા રાની મધ ખાતો હતો.
7અને તેણે એવું પ્રગટ કરતા, કહ્યું, "મારા કરતા જે સમર્થ છે તે મારી પાછળ આવે છે, તેના ચપલની વાધરી, હું વાંકો વળી છોડવા યોગ્ય નથી. 8મેં પાણીથી તમારું બાપ્ત્તિસમાં કર્યું છે ખરું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.
9અને તે દહાડામાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યો, ને યર્દનમાં તે યોહાનથી બાપ્તિસ્મા પામ્યો. 10અને તરત, પાણીમાંથી ઉપર આવીને, આકાશ ઊઘડેલું તથા પવિત્ર આત્માને કબૂતરની પેઠે પોતા પર ઉતરતો તેણે જોયો. 11અને આકાશમાંથી એવી વાણી થઈ કે, "તું મારો વ્હાલો દીકરો છે. તારા પર હું પ્રસન્ન છું .
12અને તરત, આત્મા તેને રાનમાં લઈ જાય છે 13અને રાનમાં ૪૦ દહાડા સુધી તે રહ્યો, ને શેતાનથી તેનું પરીક્ષણ થયું. અને જંગલી પશુઓની સાથે તે હતો, અને દૂતોએ તેની સેવા કરી.
14અને યોહાનના પરસ્વાધીન કરાયા પછી, ઈસુ ગાલીલમાં આવ્યો, ને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતા 15કહ્યું કે, " સમય પૂરો થયો છે, ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો."
16અને તે ગાલીલના સમુદ્રને કાંઠે ચાલતો હતો, તેવામાં તેણે સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને, સિમોનનો ભાઈ, સમુદ્રમાં જાળ નાખતા દીઠા, કેમકે તેઓ માછલા પકડનારા હતા. 17અને ઈસુએ તેઓને કહ્યું કે, "મારી પાછળ આવો, ને હું તમને માણસોના પકડનારા કરીશ." 18અને તરત, તેઓ પોતાની જાળો મૂકીને, તેની સાથે ગયા 19અને ત્યાંથી થોડું આગળ જઇને, તેણે ઝબદીના દીકરા યાકૂબ, તથા યોહાન, તેનો ભાઈ, ને તેઓને વહાણમાં જાળો સાંધતા દીઠા. 20અને તેણે તરત, તેઓને બોલાવ્યા અને તેઓ પોતાના બાપ, ઝબદીને, નોકરોની સાથે, વહાણમાં મૂકીને તેની પાછળ ગયા.
21અને તે કફર-નહૂમમાં પ્રવેશ કરેછે, અને તરત વિશ્રામવારે, સભાસ્થાનમાં પ્રવેશ કરીને, તેણે ઉપદેશ કર્યો. 22અને તેઓ તેના ઉપદેશથી અચરત થયા, કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહિ પણ જેને અધિકાર હોય તેની પેઠે તેણે તેઓને ઉપદેશ કર્યો. 23અને તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો, તેણે બૂમ પાડી, 24કહ્યું કે, "અરે ઈસુ નાઝારી, અમારે ને તારે, શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? તું કોણ છે એ હું જાણું છું- ઈશ્વરનો પવિત્ર!" 25અને ઈસુએ તેને ધમકાવતા કહ્યું કે, "છાનો રહે અને તેમાંથી નીકળી જા!" 26અને અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો. 27અને બધા એવા અચરત થયા કે, તેઓ માંહોમાંહે પૂછવા લાગ્યા કે, "આ શું છે? આ તો નવો ઉપદેશ છે! કેમ કે અધિકારથી તે અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે, ને તેઓ તેનું માને છે!" 28અને તરત તેની કીર્તિ આખા ગાલીલ પ્રાંતમાં ફેલાઈ ગઈ.
29અને તરત, સભાસ્થાનમાંથી નીકળીને, યાકૂબ તથા યોહાન સુદ્ધાં, તેઓ સિમોન તથા આન્દ્રિયાનાં ઘરમાં ગયા. 30હવે સિમોનની સાસુ પથારીમાં તાવે પડેલી હતી, અને તરત તેઓએ તેના વિષે તેને કહ્યું. 31અને પાસે આવીને, તેણે એને ઉઠાડી, તેણીનો હાથ ઝાલીને, અને તરત એનો તાવ મટી ગયો, અને તેણે તેઓની સેવા કરી.
32અને સાંજે, સૂરજ આથમ્યો, ત્યારે તેઓ બધાં માંદાઓને તથા ભૂતવળગેલાંઓને તેની પાસે લાવ્યા. 33અને બારણા આગળ આખું શહેર એકઠું થયું. 34અને ઘણાં જેઓ નાના પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેણે સાજાં કર્યાં અને ઘણાં ભૂતોને કાઢયાં, અને ભૂતો તેને ઓળખતા હતાં, માટે તેણે તેઓને બોલવા દીધા નહિ.
35અને સવારે પોહ ફાટતાં પહેલાં, ઘણો વહેલો ઉઠીને, તે બહાર ગયો અને ઉજ્જડ ઠેકાણે જઈને, તેણે ત્યાં પ્રાર્થના કરી. 36અને સિમોન તથા જેઓ તેની સાથે હતા તેઓ તેની પછવાડે ગયા. 37અને તે તેઓને મળ્યો ત્યારે તેઓ તેને કહે છે કે, "દરેકજણ તને શોધે છે." 38અને તે તેઓને કહે છે કે, " આઓ આપણે બીજી જગ્યાઓમાં, પાસેના ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ કરું, કેમ કે એ જ માટે હું આવ્યો છું." 39અને આખા ગાલીલમાં ફરીને તેઓના સભાસ્થાનોમાં જઇને તે ઉપદેશ કરતો હતો અને ભૂતો કાઢતો હતો.
40અને એક કોઢિયો તેની પાસે આવે છે ને તેને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને તેને કહે છે કે, જો તારી ઈચ્છા હોય તો તું મને શુદ્ધ કરી શકે છે. 41અને દયાથી ભરપુર થઈને, હાથ લાંબો કરીને, તે તેને અડક્યો, ને તે તેને કહે છે કે, "મારી ઈચ્છા છે. તું શુદ્ધ થા. 42અને તરત તેનો કોઢ ગયો, ને તે શુદ્ધ થયો. 43અને તેણે તેને સખત તાકીદ કરીને, તરત તેને બહાર મોકલ્યો. 44અને તે તેને કહે છે કે, " જોજે કોઈને કંઈ કહેતો ના, પણ જા, પોતાને યાજકને દેખાડ, અને જે કંઈ મૂસાએ ફરમાવ્યું, તેનું તારા શુદ્ધિકરણને લીધે તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ કર." 45પણ તે, નીકળી જઈને, તે વાત એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો કે, ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યો, પણ બહાર ઉજ્જડ જગાઓમાં રહ્યો, અને લોક ચોમેરથી તેની પાસે આવતા હતા.
21અને કેટલાએક દિવસ પછી તે ફરી કફર-નહૂમમાં ગયો, ત્યારે એવી ચર્ચા ફેલાઈ કે તે ઘરમાં છે. 2અને એટલા બધાં લોક એકઠા થયા કે ત્યાં જગા નહોતી, દરવાજા પાસે પણ નહી, અને તે તેઓને વાત કહેતો હતો. 3અને ચાર માણસોએ ઊંચકેલા પક્ષઘાતીને, તેઓ તેની પાસે લાવ્યા. 4અને ભીડને લીધે તેઓ તેની પાસે આવી ન શક્યા, એટલે જ્યાં તે હતો ત્યાનું છાપરું તેઓએ ઉકેલ્યું, ને તે તોડીને, જે ખાટલા પર તે પક્ષઘાતી સુતો હતો તે તેઓએ ઉતાર્યો. 5અને ઈસુ, તેઓનો વિશ્વાસ જોઈને, પક્ષઘાતીને કહે છે કે, "દીકરા, તારા પાપ માફ થયા છે." 6પણ કેટલાએક શાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા તેઓ પોતાના હૃદયોમાં વિચારતા હતાં કે, 7"આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે! એક એટલે ઈશ્વર, તે વિના પાપની માફી કોણ આપી શકે?" 8અને તરત, ઈસુ, તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, "તમે તમારા હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો? 9આ માનું વધારે સહેલું કયું છે એટલે પક્ષઘાતીને એમ કહેવું કે, 'તારા પાપ તને માફ થયા છે' અથવા એમ કહેવું કે, 'ઉઠ, ને તારો ખાટલો ઊંચકીને ચાલ'? 10પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે એમ તમે જાણો માટે," તે પક્ષઘાતીને તે કહે છે, 11"હું તને કહું છું કે, ઉઠ, તારો ખટલો ઊચકીને, તારે ઘેર ચાલ્યો જા." 12અને તે તરત ઉઠ્યો ને ખાટલો ઊચકીને, સહુના દેખતા ચાલ્યો ગયો, આથી સહુએ અચરતી પામીને તથા ઈશ્વરને મહિમા આપીને, કહ્યું કે, "અમે કદી આવું જોયું નથી."
13અને તે ફરી સમુદ્રને કાંઠે ગયો, અને બધાં લોક તેની પાસે આવ્યા, અને તેણે તેઓને બોધ કર્યો 14અને રસ્તે જતા, તેણે અલ્ફીનાં દીકરા લેવીને દાણની ચોકી પર બેઠેલો જોયો, અને તે તેને કહે છે કે, "મારી પાછળ ચાલ." અને તે ઊઠીને, તેની પાછળ ચાલ્યો.
15અને એમ થયું કે તે તેના ઘરમાં જમવા બેઠો હતો, અને ઘણા દાણીઓ તથા પાપીઓ ઈસુ તથા તેના શિષ્યોની સાથે બેઠા હતા, કેમકે તેઓ ઘણાં હતા ને તેની પાછળ ચાલતા હતા 16અને શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ, તેને દાણીઓની તથા પાપીઓની જોડે જમતો જોઈને, તેના શિષ્યોને કહ્યું કે," તે કેમ દાણીઓની તથા પાપીઓની જોડે ખાય છે ને પીએ છે?" 17અને ઈસુ એ સાંભળીને, તેઓને કહે છે કે, "જેઓ સાજાં છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે. હું ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું."
18અને યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતા હતા, અને તેઓ આવીને તેને કહે છે કે, "યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તારા શિષ્યો ઉપવાસ નથી કરતા એનું શું કારણ?" 19અને ઈસુએ તેઓને કહ્યું કે, "વર જાનૈયાની સાથે હોય ત્યાં સુધી, શું તેઓ ઉપવાસ કરી શકે? વર તેઓની સાથે છે તેટલા વખત સુધી, તેમનાથી ઉપવાસ કરી શકાય નહિ . 20પણ એવા દિવસ આવશે કે જ્યારે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે, તેઓ ઉપવાસ કરશે. 21અને કોરા લૂગડા નું થીગડું જૂના વસ્ત્રને કોઈ દેતું નથી, જો દે તો, નવું જોડેલું જૂનાને, સાંધવાને બદલે ખેચી કાઢે છે, અને તે વધારે ફાટી જાય છે. 22અને નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો, નવો દ્રાક્ષારસ મશકોને ફા્ડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બંને નો નાશ થાય છે, પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે."
23અને એમ થયું કે વિશ્રામવારે તે દાણાનાં ખેતરોમાં થઈને જતો હતો, અને તેના શિષ્યો ચાલતા કણસલાં તોડવા લાગ્યા. 24અને ફરોશીઓએ તેને કહ્યું કે, "જો, વિશ્રામવારે જે ઉચીત નથી તે તેઓ કેમ કરે છે?" 25અને તેણે તેઓને કહ્યું કે, "દાઉદને અગત્ય હતી અને તે તથા તેના સાથીઓ ભૂખ્યા હતા ત્યારે તેણે શું કર્યું એ તમે કદી નથી વાંચ્યું 26એટલે કે અબ્યાથાર મૂખ્ય યાજક હતો ત્યારે ઈશ્વરના ઘરમાં પેસીને જે અર્પેલી રોટલીઓ યાજકોના સિવાય કોઈને ખાવાને ઉચિત નથી, તે તેણે ખાધી તેમ જ તેના સાથીઓને પણ આપી?" 27અને તેણે તેઓને કહ્યું કે, "વિશ્રામવાર માણસને અર્થે થયો, અને માણસ વિશ્રામવારને અર્થે નહિ 28માટે, માણસનો દીકરો, વિશ્રામવારનો પણ પ્રભુ છે." .
31અને તે ફરી સભાસ્થાનમાં ગયો, અને ત્યાં એક માણસ હતો કે જેનો હાથ સુકાઈ ગયેલો હતો. 2અને વિશ્રામવારે તે તેને સાજો કરશે કે નહિ, તે વિષે તેઓએ તેના પર નજર રાખી, એ માટે કે તેઓ તેના પર દોષ મૂકે. 3અને પેલા સુકાયેલા હાથવાળા માણસને તે કહે છે કે, "વચમાં ઊભો થા." 4અને તે તેઓને કહે છે કે, "વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું; જીવને બચાવવો કે તેને મારી નાખવો કયું ઉચિત છે?" પણ તેઓ છાના રહ્યાં 5અને તેઓના હૃદયની કઠણતાને લીધે, તે દિલગીર થઈને ગુસ્સાસહીત ચોતરફ તેઓ ભણી જોઇને, તે માણસને કહે છે કે, "તારો હાથ લાંબો કર." અને તેણે તે લાંબો કર્યો, અને તેનો હાથ સાજો થયો. 6અને શી રીતે તેનો નાશ કરવો તે વિષે ફરોશીઓએ બહાર જઈને, તરત હેરોદીઓની સાથે, તેની વિરુદ્ધ મનસૂબો કર્યો.
7અને ઈસુ, પોતાના શિષ્યો સુદ્ધાં, નીકળીને સમુદ્રની પાસે ગયો, અને ગાલીલમાથી તેમજ યહુદિઆમાંથી ઘણાં લોક તેની પાછળ ગયા 8તથા યરુશાલેમમાંથી તથા અદુમમાથી તથા યર્દનને પેલેપારથી તથા તૂર તથા સિદોનથી. એક મોટી ભીડ, જે જે કાર્યો કર્યા તે સાંભળીને તેની પાસે આવી. 9અને લોકથી પોતે દબાય નહી, માટે તેણે ભીડનાં કારણથી પોતાને સારું હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું 10કેમ કે તેણે ઘણાને સાજા કર્યા હતાં, અને તેથી જેટલા માંદા હતાં તેટલાં તેને અડકવા સારુ તેના પર તૂટી પડતાં હતાં 11અને અશુદ્ધ આત્માઓએ જ્યારે તેને દીઠો, ત્યારે તેઓ તેને પગે પડીને પોકારી ઊઠ્યા, કે, "તું ઈશ્વરનો દીકરો છે." 12અને તેણે તેઓને બહુ તાકીદ કરી કે મને પ્રગટ ન કરો
13અને તે પહાડ પર ચઢ્યો ને જેઓને તેણે પસંદ કર્યા તેઓને તેણે બોલાવ્યા, અને તેઓ તેની પાસે આવ્યા 14અને તેણે ૧૨ ને નીમ્યા(જેમને તેણે પ્રેરિતોનું નામ પણ આપ્યું)એ માટે કે તેઓ તેની સાથે રહે અને તે તેમને ઉપદેશ કરવા મોકલે 15અને કે તેઓ અધિકાર પામીને ભૂતો કાઢે 16અને તેણે બારને નીમ્યા, અને સિમોનની અટક તેણે પિતર પાડી; 17તથા ઝબદીનો દીકરો યાકૂબ, તથા યાકૂબનો ભાઈ યોહાન, તેઓની અટક તેણે બનેરગેસ પાડી, એટલે, ગર્જનાના દીકરા; 18અને આન્દ્રિયા તથા ફિલિપ તથા બર્થોલ્મી તથા માથ્થી તથા થોમા તથા અલ્ફીનો દીકરો યાકૂબ તથા થદ્દી તથા સિમોન ક્નાની . 19તથા યહૂદા ઈશ્કરીયોત જેણે તેને પરસ્વાધીન કરવ્યો.
20અને તે એક ઘરમાં આવે છે, અને ફરી એટલા બધાં લોક એકઠા થયા, કે તેઓ રોટલી પણ ન ખાઈ શક્યા. 21અને તેનાં સગાઓ, તે સાંભળીને, તેને પકડવા બહાર નીકળ્યાં. કેમ કે તેઓએ કહ્યું કે, "તે ઘેલો છે." 22અને જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું, "તેનામાં બાલઝબૂલ છે" અને "ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે." 23અને તેણે તેઓને પાસે બોલાવીને, દૃષ્ટાંતોમાં તેઓને કહ્યું," શેતાન શેતાનને કેમ કાઢી શકે? 24અને જો કોઈ રાજ્યમાં માંહોમાંહે ફૂટ પડી હોય તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી 25અને જો કોઈ ઘરમાં માંહોમાંહે ફૂટ પડી હોય, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ. 26અને જો શેતાન પોતાની સામે થયો હોય અને પોતામાં ફૂટ પડી હોય, તો તે નભી શકતો નથી, પણ તેનો અંત આવ્યો જાણવો. 27પણ બળવાનનાં ઘરમાં પેસીને જો કોઈ બળવાનને પહેલાં ન બાંધે, તો તેનો સરસામાન લૂંટી શકતો નથી, પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે. 28હું તમને ખચીત કહું છું કે માણસોના દીકરાઓને સર્વ અપરાધોની, તથા જે જે દુર્ભાષણો તેઓ કરે તે સર્વની તેમને માફી મળશે, 29પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરે તેને માફી કદી પણ મળશે નહિ પણ તેને માંથે અનંતકાળનો દોષ રહેલો છે" - 30કેમ કે તેઓ કહેતા હતાં કે, "તેને અશુદ્ધ આત્મા વળગેલો છે."
31અને તેના ભાઈઓ તથા તેની મા આવ્યાં, અને બહાર ઉભાં રહીને, તેને બોલાવવા તેઓએ તેની પાસે માણસ મોકલ્યું. 32અને ઘણા લોક તેની આસપાસ બેઠેલા હતા, અને તેઓએ તેને કહ્યું કે,"જો, તારી મા તથા તારા ભાઈઓ બહાર ઊભેલા છે તેઓ તને શોધે છે." 33અને તેણે તેઓને ઉત્તર આપ્યો કે, "મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?" 34અને જેઓ તેની આસપાસ બેઠેલા હતા, તેઓની ભણી ચોતરફ જોઇને તે કહે છે કે, "જુઓ, મારી મા તથા મારા ભાઈઓ! 35કેમકે જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરશે, તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મારી મા છે."
41અને ફરી, તે સમુદ્રને કાંઠે બોધ કરવા લાગ્યો, અને અતિ ઘણા લોક એકઠા થયા હતા. માટે, તે સમુદ્રમાં હોડી પર ચઢીને બેઠો, અને બધાં લોક સમુદ્રની પાસે જમીન પર હતા. 2અને દૃષ્ટાંતોમાં તેણે તેઓને ઘણો બોધ કર્યો, અને તેના બોધમાં તેણે તેઓને કહ્યું, 3"સાંભળો! જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. 4અને એમ થયું કે તે વાવતો હતો, ત્યારે કેટલાંક બી રસ્તાની કોરે પડ્યાં, અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. 5અને બીજા પથ્થરવાળી ભોયમાં પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી, અને ભોય ઊંડી ન હતી, માટે તે તરત ઉગી નીકળ્યાં. 6અને સૂરજ ઉગ્યો, ત્યારે તે ચીમળાઈ ગયાં, અને તેને જડ ન હતી, માટે તે સુકાઈ ગયાં . 7અને બીજા કાંટાનાં જાળામાં પડ્યાં, અને કાંટાનાં જાળાંએ વધીને તેને દાબી નાખ્યાં, અને તેણે ફળ ન આપ્યું. 8અને બીજા સારી ભોયમાં પડ્યાં, અને તેણે ઉગનારું તથા વધનારું ફળ આપ્યું, ૩૦ ગણાં તથા ૬૦ ગણાં તથા ૧૦૦ ગણાં ફળ આપ્યાં." 9અને તેણે તેઓને કહ્યું કે," જેને સાંભળવાને કાન હોય, તે સાંભળે!"
10અને જયારે તે એકાંતમાં હતો, ત્યારે બાર શિષ્યો સુદ્ધાં જેઓ તેની પાસે હતાં તેઓએ તેને એ દૃષ્ટાંતો વિષે પૂછ્યું. 11અને તેણે તેઓને કહ્યું કે, "દેવના રાજ્યનો મર્મ તમને અપાયો છે, પણ જેઓ, બહારના છે, તેઓને સર્વ વાતો દૃષ્ટાંતોમાં અપાય છે,
12એ માટે કે તેઓ જોતા, જુએ પણ જાણે નહિ,
અને સાંભળતાં, સાંભળે પણ સમજે નહિ,
રખેને તેઓ ફરે, અને તેઓને પાપની માફી મળે."
13અને તે તેઓને કહે છે કે, "શું તમે આ દૃષ્ટાંત સમજતા નથી? તો સર્વ દૃષ્ટાંતો શી રીતે સમજશો? 14વાવનાર વચન વાવે છે. 15હવે રસ્તાની કોર પરના એ છે કે, જ્યાં વચન વવાય છે, ને તેઓ સાંભળે છે કે, તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે. 16અને એમ જ જેઓ, પથ્થરવાળી ભોયમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ, વચન સાભળીને, તરત હર્ખથી તે માની લે છે. 17અને તેમના પોતામાં જડ હોતી નથી, પણ તેઓ થોડીવાર ટકે છે, પછી, વચનને લીધે દુઃખ અથવા સતાવણી થાય છે, ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે. 18અને બીજા જે કાંટાઓમાં વવાયેલા છે તે એ છે કે, તેઓએ વચન સાંભળ્યું , 19પણ આ કાળની ચિંતાઓ તથા દોલતની માયા તથા બીજી વસ્તુઓનો લોભ તેઓમાં પ્રવેશ પામીને વાતને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થાય છે. 20અને જેઓ સારી ભોયમાં વવાયેલા તેઓ એ છે કે, જેઓ વચન સાંભળે છે અને તેને ગ્રહણ કરે છે તે ૩૦ ગણાં તથા ૬૦ ગણાં તથા ૧૦૦ ગણાં ફળ આપે છે."
21અને તેણે તેઓને કહ્યું કે,"શું માપ તળે અથવા ખાટલા તળે મૂકવા સારુ કોઈ દીવો લાવે છે? અને એ શું દીવી પર મૂકવા સારુ નહિ 22કેમકે જે કઈ છાનું છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય, અને જે ગુપ્તા રાખેલું છે તે એ સારુ છે કે તે પ્રગટમાં આવે. 23જો કોઈને સાંભળવાને કાન હોય તો તેણે સાંભળવું!" 24અને તેણે તેઓને કહ્યું કે, "તમે શું સાંભળો છો તે વિષે સાવધાન રહો. જે માપથી તમે માપો છો, તે માપથી તમને પાછું માપી અપાશે, અને તે તમને ઉમેરવામાં આવશે. 25કેમકે જેની પાસે છે, તેને આપવામાં આવશે, અને જેની પાસે નથી, તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે"
26અને તેણે કહ્યું કે, "ઈશ્વરનું રાજ્ય એવું છે કે: જાણે કોઈ માણસ ભોંયમાં બી નાખે, 27અને તે ઊંઘે તથા જાગે, રાત દહાડો, અને તે બી ઉગે ને વધે - શી રીતે, એ તે જાણતો નથી. 28ભોંયતો પોતાની મેળે ફળ આપે છે: પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલામાં પુરા દાણા. 29અને દાણા પાકયા પછી, તરત તે દાતરડું લગાડે છે, કેમ કે કાપણીનો વખત થયો છે."
30અને તેણે કહ્યું કે,"ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવીએ, અથવા તેને શાની ઉપમા આપીએ? 31તે તો રાઈનાં દાણાના જેવું છે, જે, ભોયમાં તે વવાય છે, ત્યારે પૃથ્વી પરનાં સર્વ બી કરતાં તે નાનું છે, 32પણ વાવ્યા પછી, તે ઊગી નીકળે છે અને સર્વ છોડવા કરતાં મોટું થાય છે, અને તેને એવી મોટી ડાળી પણ થાય છે, કે આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે."
33અને એવાં ઘણાં દૃષ્ટાંતોમાં જેમ તેઓ સાંભળી સકતા હતા, તેમ તે તેઓને વચન કહેતો હતો, 34અને દૃષ્ટાંત વિના તે તેઓને કઈ કહેતો ન હતો, પણ તે પોતાના શિષ્યોને એકાંતમાં સર્વ વાતોનો ખુલાસો કરતો.
35અને તે દહાડે સાંજ પડી, ત્યારે તે તેઓને કહે છે કે, "આપણે પેલે પાર જઈએ." 36અને લોકને મુકીને, તે હતો એમ ને એમ, તેઓ તેને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે, બીજી હોડીઓ પણ તેની સાથે હતી. 37અને પવનનું મોટું તોફાન થયું, અને હોડીમાં મોજાઓ એવા ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી. 38અને તે પોતે ડબૂસાએ ઓસીકા પર માથું ટેકવીને ઊંઘતો હતો, અને તેઓ તેને જગાડીને કહે છે કે, "ઉપદેશક, અમે નાશ પામીએ છીએ તેની તને શું કઈ ચિંતા નથી?' 39અને તેણે ઉઠીને, પવનને ધમકાવ્યો, તથા સમુદ્રને કહ્યું કે,"છાનો રહે! શાંત થા!" અને પવન બંધ થયો, અને મહા શાંતિ થઈ. 40અને તેણે તેઓને કહ્યું કે, "તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?" 41અને તેઓ બહુ બીધા તથા માંહોમાંહે બોલ્યા કે, "આ તે કોણ છે કે, પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?"
51અને તેઓ સમુદ્રને પાર, ગેરસાનીઓના દેશમાં ગયા. 2અને જયારે તે હોડીમાંથી ઊતર્યો, એટલે કબરસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેને મળ્યો, 3તેનું રહેઠાણ કબરસ્તાનોમાં હતું, અને કોઈ તેને બાંધી શકતો નહોતો, સાંકળોએ પણ નહિ, 4કેમ કે તે ઘણીવાર બેડીઓએ તથા સાંકળોએ બંધાયો હતો, ને તે સાંકળો તોડી નાખતો તથા બેડીઓ ભાંગી નાખતો, અને કોઈ તેને વશ કરી શકવા શક્તિમાન નહોતો. 5અને તે નિત્ય રાતદહાડો પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો હતો, તે બુમો પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. 6અને ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો, અને તેને પગે લાગ્યો. 7અને મોટે ઘાટે પોકારીને, તે બોલ્યો, "ઈસુ પરાત્પર દેવના દીકરા, મારે ને તારે શું છે? હું તને ઈશ્વરના સમ દઉં છું કે, તું મને દુઃખ ન દે." 8કેમકે તેણે એને કહ્યું હતું કે, "અરે અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ." 9અને તેણે તેને પૂછ્યું કે, "તારું નામ શું છે?" અને તેને તેને ઉત્તર આપ્યો કે, "મારું નામ સેના છે, કેમ કે અમે ઘણાં છીએ." 10અને એણે એને ઘણી વિનંતી કરી કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ. 11હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું, 12અને તેઓએ તેને વિનંતી કરી કે, "તે ભૂંડોમાં અમે પેસીએ, માટે અમને તેઓમાં મોકલ.". 13અને તેણે તેઓને પરવાનગી આપી, અને અશુદ્ધ આત્માઓ નીકળીને, ભૂંડોમાં પેઠા, અને તે ટોળામાં આશરે ૨૦૦૦ ભૂંડ હતાં અને તેઓ કરાડા પરથી સમુદ્રમાં ઘસી પડ્યા અને સમુદ્રમાં ગૂંગળાઈ મૂઆં 14અને તેઓના ચરાવનારાઓએ નાસી જઇને શહેરમાં તથા ગામડાંઓમાં તેની ખબર આપી અને શું થયું હશે તે જોવાને લોકો નીકળ્યા 15અને ઈસુની પાસે તેઓ આવે છે ને જેને ભૂત વળગેલાં હતાં, , તેને તેઓએ બેઠેલો, તથા વસ્ત્ર પહેરેલો, તથા હોશમાં આવેલો જોયો-એટલે જેમાં સેના હતી- અને તેઓ બીધા. 16અને ભૂત વળગેલો કેવી રીતે સારો થયો હતો, તે તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી સંભળાવ્યું 17અને તેઓ તેને વિનંતી કરવા લાગ્યા કે તે તેઓની સીમોમાંથી જતો રહે 18અને તે વહાણમાં ચઢતો હતો, એટલામાં જેને ભૂત વળગ્યાં હતાં તેણે તેની સાથે રહેવા માટે વિનંતી કરી 19પણ ઈસુએ તેને આવવા ન દીધો, પણ તેને કહે છે કે, "તારે ઘેર, તારા લોકોની પાસે જા, ને પ્રભુએ તારે સારુ કેટલું બધું કર્યું છે ને તારા પર દયા રાખી તેની ખબર તેને આપ." 20અને તે ગયો અને ઈસુએ તેને સારુ કેટલું બધું કર્યું હતું તે દશનગરમાં પ્રગટ કરવા લાગ્યો, અને સઘળા અચંબો પામ્યા.
21અને જયારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયો, ત્યારે અતિ ઘણા લોક તેની પાસે એકઠા થયા, અને તે સમુદ્રની પાસે હતો. 22અને જુઓ, સભાસ્થાનના અધિકારીઓમાનો, યાઈરસ નામે, એક જણ આવે છે, અને તેને જોઈને, તેના પગ આગળ પડે છે. 23અને તેણે તેને ઘણી વિનંતી કરીને કહ્યું કે,"મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને, તેને તારોહાથ લગાડ, એ સારુ કે તે સાજી થઈ ને જીવે." 24અને તે તેની સાથે ગયો, અને અતિ ઘણાં લોકો તેની પાછળ ચાલ્યા ને તેના પર પડાપડી થઈ.
25અને એક સ્ત્રી હતી, કે જેને ૧૨ વરસથી લોહીવા હતો, 26અને તેણે ઘણાં વૈદો થી ઘણું સહ્યું હતું, અને પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું, અને તેને કઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઉલટું તે વધતી માંદી થઈ હતી. 27તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને, ભીડમાં તેની પછવાડે આવી, અને તેના લુગડાને અડકી. 28કેમ કે તેણે ધાર્યું કે, "જો હું માત્ર તેના લુગડાને અડકું, તો હું સાજી થઈશ." 29અને તત્કાળ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો, ને તેના શરીરમાં તેને લાગ્યું કે હું દરદથી સાજી થઈ છું. 30અને મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું તેને માલૂમ પડવાથી, ઈસુએ તરત લોકની ભીડમાં પાછા ફરીને કહ્યું કે, "મારા લુગડાને કોણ અડક્યું?" 31અને તેના શિષ્યોએ તેને કહ્યું, "તું જુએ છે કે ઘણાં લોક તારી પર પડાપડી કરે છે, અને શું તું એમ કહે છે કે, 'મને કોણ અડક્યું?'" 32અને જેણે એ કામ કર્યું હતું તેને જોવા સારું તેણે આસપાસ નજર ફેરવી. 33અને તેને જે થયું તે જાણીને તે સ્ત્રી, બીહીને તથા ધ્રુજીને આવી, અને તેની આગળ પડીને , તેણે તેને બધું સાચેસાચું કહી દીધું. 34અને તેણે તેને કહ્યું કે, "દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે. શાંતિએ જા ને તારા દરદથી સાજી થા."
35તે હજી બોલતો હતો, એટલામાં સભાના અધિકારીના ઘરેથી, લોકો આવીને કહે છે કે, "તારી દીકરી તો મરી ગઈ છે. હવે તું ઉપદેશકને તસ્દી શું કરવા દે છે?" 36પણ ઈસુ, તે વાત પર ધ્યાન ન આપતાં, સભાસ્થાનનાં અધિકારીને કહે છે કે, "બી મા. માત્ર વિશ્વાસ રાખ." 37અને પિતર યાકૂબ તથા યાકુબનો ભાઈ યોહાન સિવાય તેણે તેણે પોતાની સાથે કોઈને આવવા ન દીધું. 38અને સભાના અધિકારીના ઘરમાં તેઓ આવે છે અને ગડબડ તથા રુદન તથા વિલાપ કરનારાઓને તે જુએ છે 39અને તે માંહે આવીને, તેઓને કહે છે કે, "તમે કેમ ઉદાસ છો અને રડો છો? છોકરી તો મરી નથી ગઈ પણ ઊંઘે છે." 40અને તેઓએ તેને હસી કાઢ્યો, પણ તેણે, સહુને બહાર કાઢીને છોકરીના માબાપને તથા જેઓ તેની સાથે હતા, તેઓને લઈને જ્યાં છોકરી હતી ત્યાં તે માંહે જાય છે. 41અને છોકરીનો હાથ ઝાલીને, તે તેને કહે છે કે, "ટલિયા, કૂમ!" જેનો અર્થ થાય છે: છોકરી, હું તને કહું છું, ઉઠ." 42અને તરત છોકરી ઉઠીને ચાલવા લાગી (કેમ કે તે ૧૨ વરસની હતી), અને તેઓ તરત આશ્ચર્ય સાથે ઘણાં વિસ્મિત થયા. 43અને તેણે તેઓને તાકીદ કરી કે કોઈ એ ન જાણે, અને તેણે તેને કઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી.
61અને ત્યાંથી નીકળીને તે પોતાના દેશમાં આવ્યો, અને તેના શિષ્યો તેની પાછળ આવ્યા. 2અને વિશ્રામવાર આવ્યો ત્યારે, તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યો. અને ઘણાએ એ સાંભળીને દિંગ થઈને, એ કહ્યું કે, "આ સઘળું તેની પાસે ક્યાંથી, અને તેને જે ડહાપણ અપાયું તે કેવું છે, અને એના હાથથી આવાં પરાક્રમી કામો ક્યાંથી થાય છે? 3શું એ સુતાર નથી, શું એ મરિયમનો દીકરો યાકૂબ તથા યોસે તથા યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહી આપણી પાસે નથી?" અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી. 4અને ઈસુએ તેઓને કહ્યું કે, "પોતાના દેશ પોતાનાં સગાં તથા પોતાના ઘર સિવાય, પ્રબોધક બીજે ઠેકાણે માન વિનાનો નથી 5અને તેણે થોડાંક માંદાઓ પર હાથ તેના મુકીને તેઓને સાજા કર્યા, એના વિના તે ત્યાં કઈ ચમત્કાર કરી ન શક્યો. 6અને તેઓના અવિશ્વાસને લીધે તે અચરત થયો, અને આસપાસ ગામેગામ તે બોધ કરતો ફર્યો.
7અને બાર શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બે મોકલવા લાગ્યો, અને તેણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો. 8અને તેઓને ફરમાવ્યું કે માર્ગને સારું કેવલ એક લાકડી વિના બીજું કઈ લેવું નહિ; રોટલી નહિ, જોણણુંનહિ, તમારા કમરબંધમાં નાણું નહિ 9પણ ચંપલ પહેરવાં, અને, "બે અંગરખા પહેરવા નહિ." 10અને તેણે તેઓને કહ્યુ કે, " જયારે તમે જે કોઈ ઘરમાં પેસો, ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો. 11અને જ્યાં કહી તેઓ તમારો આવકાર નહિ કરે અને તમારું નહિ સાંભળે, ત્યાંથી નીકળતા, તેઓની વિરુદ્ધ સાક્ષી થવાને માટે તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખો." 12અને તેઓએ નીકળીને, એવો ઉપદેશ કર્યો કે લોકો પસ્તાવો કરો. 13અને તેઓએ ઘણાં ભૂતો કાઢ્યા અને ઘણાં માંદા લોકોને તેલ ચોળીને તેઓને સાજા કર્યા.
14અને હેરોદ રાજાએ તેના વિષે સાંભળ્યું, કેમકે તેનું નામ પ્રસિદ્ધ થયું હતું, અને ઘનાઓએ કહ્યું, "યોહાન બાપ્તિસ્ત મૂએલાંમાંથી ઉઠ્યો છે, ને તેથી, આવાં પરાક્રમી કામો તેનાથી થાય છે." 15પણ બીજાઓએ કહ્યું, "તે એલિયા છે." અને બીજાઓએ કહ્યું, "તે પ્રબોધકોમાના કોઈ એક ના જેવો, એક પ્રબોધક છે." 16પણ હેરોદે, તે સાંભળીને, કહ્યું કે, "એ તો યોહાન છે, કે જેનું માથું મેં કાપી નખાવ્યું- તે મૂએલાંમાંથી ઉઠ્યો છે." 17કેમકે હેરોદે પોતે, મોકલીને, યોહાનને પકડ્યો હતો અને (તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદીયાને લીધે), તેને કેદખાનામાં બંદીવાન કર્યો હતો, કેમ કે તે તેને પરણ્યો હતો. 18કેમ કે યોહાને હેરોદને કહ્યું હતું કે, "તારા ભાઈની પત્ની રાખવી તને ઉચિત નથી." 19અને હેરોદીયા તેના પર અદાવત રાખતી, ને તેને મારી નાખવા ચાહતી પણ એમ કરી ન શકી, 20કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને, તેનાથી બીતો. ને તેની સંભાળ લેતો, ને તેનું સાંભળીને બહુ ગભરાતો, પણ ખુશીથી તે તેનું સંભાળતો. 21અને જ્યારે જોગવાઈનો દહાડો આવ્યોં ત્યારે હેરોદે પોતાની વરસગાંઠનાં દિવસે પોતાના અધિકારીઓને તથા સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને સારુ મિજબાની કરાવી, 22અને તે જ હેરોદીયાની દીકરી અંદર આવીને નાચી ને તેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા, અને રાજાએ છોકરીને કહ્યું કે, "જે કઈ તું ચાહે તે મારી પાસે માંગ, અને તે હું તને આપીશ." 23અને તેણે સમ ખાઈને તેને કહ્યું કે, "જે કઈ તું મારી પાસે માંગે, તે મારા અર્ધા રાજ્ય સુધી હું તને આપીશ." 24અને તેણે બહાર જઈને, પોતાની માને પૂછ્યું કે"હું શું માંગુ?" અને તેણે તેને કહ્યું કે, "યોહાન બાપ્તિસ્તનું માથું." 25અને તરત રાજાની પાસે, ઉતાવળથી માંહે આવીને તેણે કહ્યું કે, "હું ચાહું છું કે યોહાન બાપ્તિસ્તનું માથું કથરોટમાં હમણાં જ તું મને અપાવ." 26અને રાજા, બહુ દિલગીર થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેઠેલાઓને લીધે તેણે તેને ના કહેવાને ચાહ્યું નહિ, 27અને તરત રાજાએ, સિપાહીને મોકલીને, તેનું માથું લાવવાનો તેને હુકમ કર્યો, ને તેણે જઈને, કેદખાનામાં તેનું માથું કાપી નાખ્યું. 28અને તેનું માથું કથરોટમાં લાવીને છોકરીને આપ્યું, અને છોકરીએ પોતાની માને તે આપ્યું. 29અને તેના શિષ્યો, એ સાંભળીને આવ્યા, અને તેનું ધડ લઈ ગયાને તેને કબરમાં મૂક્યું.
30અને પ્રેરિતો ઈસુની પાસે એકઠા થાય છે અને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું તે બધું તેઓએ તેને કહી સંભળાવ્યું . 31અને તેણે તેઓને કહ્યું કે, "તમે પોતે, ઉજ્જડ ઠેકાણે એકાંતમાં આવો ને થોડો વિસામો લો." કેમ કે આવનાર અને જનારા ઘણાં હતાં, અને તેમને ખાવાનો પણ અવકાશ મળતો નહોતો. 32અને તેઓ હોડીમાં બેસીને ઉજ્જડ ઠેકાણે એકાંતમાં ગયા. 33અને લોકોએ તેઓને જતા દીઠા ને ઘણાએ તેને ઓળખ્યો, અને સર્વ શહેરોમાંથી, પગે દોડીને તેઓ ત્યાં એકઠા થયા, અને તેઓની આગળ જઈ પહોંચ્યા. 34અને તેણે નીકળીને, અતિ ઘણાં લોકને દીઠા ને તેને તેઓ પર કરુણા આવી કેમ કે તેઓ પાળક વગરના ઘેટાના જેવા હતાં, અને તે તેઓને ઘણી વાતો વિષે શીખવવા લાગ્યો. 35અને જયારે દહાડો ઘણો નમી ગયો, ત્યારે તેના શિષ્યોએ, તેની પાસે આવીને, કહ્યું કે, "આ ઠેકાણું ઉજ્જડ છે, ને દહાડો ઘણો નમી ગયો છે. 36તેઓને વિદાય કર કે, તેઓ આસપાસનાં પરાંમાં તથા ગામોમાં જઈને, પોતાને સારું કઈ ખાવાનું વેચાતું લે." 37પણ તેણે, તેઓને ઉત્તર આપ્યો કે, "તમે તેઓને ખાવાનું આપો." અને તેઓ તેને કહે છે કે શું અમે જઈને ૨૦૦ દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?" 38પણ તે તેઓને કહે છે કે, "તમારી પાસે કેટલી રોટલી છે?" તે જઈને. જુઓ." અને ખબર કાઢ્યા પછી, તે તેઓને કહે છે, "પાંચ, તથા બે માછલી." 39અને તેણે તેઓને હુકમ કર્યો કે સઘળા લીલાં ઘાસમાં પંગતમાં બેસી જાય. 40અને તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસ બેઠા. 41અને તેણે પાંચ રોટલી તથા બે માછલી લઈને, આકાશ તરફ જોઈને, આશીર્વાદ માંગ્યો અને રોટલીઓ ભાંગીને તેણે તે પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી, અને બે માછલી સહુને વહેંચી આપી. 42અને સહુએ ખાધું અને તૃપ્ત થયા. 43અને તેઓએ ૧૨ ટૂકડાની ટોપલી ભરી, અને માછલીઓમાંથી પણ કઈ વધ્યું. 44અને રોટલી ખાનારા આશરે ૫૦૦૦ પુરુષ હતા
45અને તત્કાળ તેણે પોતાના શિષ્યોને હઠેઠ કરીને હોડીમાં બેસાડ્યા, અને પોતે લોકોને વિદાય કરે, એટલામાં તેણે તેઓને પોતાની આગળ પેલે પાર બેથસૈદા મોકલ્યા. 46અને તેઓને વિદાય કરીને, તે પહાડ પર પ્રાર્થના કરવા ગયો. 47અને સાંજ પડી ત્યારે, હોડી સમુદ્ર મધ્યે હતી, અને તે એકલો જમીન પર હતો. 48અને પવન સામો હોવાને કારણે- તેઓ હલેસાં મારતા હેરાન થાય છે એ જોઈને- આશરે રાતને ચોથે પહોરે, તે સમુદ્ર પર ચાલતો, તેઓની પાસે આવે છે, ને જાણે તેઓથી આગળ જવાનું તેણે કર્યું. 49અને તેઓએ, તેને સમુદ્ર પર ચાલતો જોઈને, ધાર્યું કે એ તો આભાસ છે, અને તેઓએ બૂમો પાડી 50કેમ કે સહુ તેને જોઈને ગભરાયા. અને તરત તે તેઓની સાથે વાત કરીને તેઓને કહે છે કે, "હિમ્મત રાખો! એ તો હું છું! બીહો મા!" 51અને તે તેઓની પાસે હોડી પર ચઢ્યો, અને પવન થંભ્યો, અને તેઓ અતિશય વિશ્મિત થયા. 52કેમ કે રોટલી સંબંધી તેઓ સમજ્યા નહિ, પણ તેઓના હૃદય કઠણ રહ્યાં
53અને તેઓ પાર જઈને, ગન્નેસરેતદેશમાં આવ્યા અને તેઓએ કિનારે લંગર કર્યું. 54અને તેઓ જયારે હોડી પરથી ઉતર્યા, ત્યારે લોકોએ તરત તેને ઓળખ્યો, 55ને ચોતરફ તે આખા પ્રદેશમાં દોડી જઈને તે ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને તેઓના ખાટલામાં ઘાલીને તેઓ ત્યાં લાવવા લાગ્યા 56અને તે જે જે ગામોમાં કે શહેરોમાં કે પરાંઓમાં પેઠો, ત્યાં તેઓએ માંદાઓને ચોટાઓમાં રાખ્યા ને તેને વિનંતી કરી કે તેઓને માત્ર તારા લૂગડાની કોરને અડકવા દે, અને જેટલા તેને અડક્યા તેટલા સાજા થયા.
71અને ફરોશીઓ તથા કેટલાએક શાસ્ત્રીઓ, તેની પાસે આવીને એકઠા થાય છે, કે જેઓ યરુશાલેમથી આવ્યા હતા. 2અને જેઓએ જોયું હતું કે તેના કેટલાએક શિષ્યો અશુદ્ધ હાથે, એટલે અણધોયેલે હાથે રોટલી ખાય છે. 3(કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના સંપ્રદાય પાળીને, તેઓના હાથ સારી પેઠે ધોયા વિના ખાતા નથી; 4અને ચોટેથી આવીને નાહ્યા વિના, તેઓ ખાતા નથી, બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું: વાટકા ધોવા, તથા ગાગરો, તથા તાંબાનાં વાસણ. ઈત્યાદી) 5પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેને પૂછે છે કે, "તારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે નથી ચાલતાં, પણ અંણધોયેલે હાથે તેઓની રોટલી કેમ ખાય છે?" 6પણ તેણે, જવાબમાં, તેઓને કહ્યું કે, "તમ ઢોંગીઓ સંબંધી યાશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે. જેમ લખેલું છે કે,
'આ લોક હોઠો એ મને માન આપે છે,
પણ તેઓના હૃદયો મારાથી વેગળા રહે છે.
7પણ તેઓ મને વ્યર્થ ભજે છે,
તેઓ પોતાના મત દાખલ માણસોની આજ્ઞા શીખવે છે.'
8તમે ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને, માણસોના સંપ્રદાય દ્રઢતાથી પાળો છો." 9અને તેણે તેઓને કહ્યું કે, "તમે તમારા સંપ્રદાય પાળવા સારુ ઈશ્વરની આજ્ઞા ઠીક રદ કરો છો! 10કેમ કે મૂસાએ કહ્યું કે, 'તારા બાપને તથા તારી માને માન આપ,' ને, 'જે કોઈ પોતાના બાપની કે માની નિંદા કરે - તે માર્યો જાય.' 11પણ તમે કહો છો કે, 'જો કોઈ માણસ પોતાના બાપને કે માને કહે કે, " મારાથી તને જે કઈ લાભ થાત તે કોરબાન"' (એટલે, અર્પિત દાન) થયેલું છે, 12તો તમે તેને તેના બાપને સારુ કે તેની માને સારુ ત્યાર પછી કઈ કરવા દેતા નથી. 13અને એમ કરીને તમારા શીખવેલા સંપ્રદાય વડે તમે દેવનું વચન રદ કરો છો, અને એવાં ઘણા કામો તમે કરો છો. 14અને લોકને પોતાની પાસે ફરી બોલાવીને, તેણે તેઓને કહ્યું કે,"તમે સહુ મારું સાંભળો, તથા સમજો: 15બહારથી માણસમાં પેસીને, તેને વટાળી શકે એવું, કશુજ નથી; પણ માણસમાંથી જે બહાર નીકળે છે તે જ માણસને વટાળે છે." 16[જો કોઈને સાંભળવાને કાન હોય, તો તે સાંભળે.] 17અને જયારે લોકોની પાસેથી જઈને તે ઘરમાં પેઠો, ત્યારે તેના શિષ્યોએ એ દૃષ્ટાંત સંબંધી તેને પૂછ્યું. 18અને તે તેઓને કહે છે કે, "શું તમે પણ એવા અણસમજું છો? તમે જાણતા નથી માણસમાં જે જે બહારથી પેસે છે તે તેને વટાળી શકતું નથી, 19કેમ કે તે તેના હૃદયમાં પેસતું નથી, પણ પેટમાં, અને તે નીકળીને સંડાસમાં જાય છે (એવું કહીને તેણે સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યા)." 20વળી તેણે કહ્યું કે, માણસમાંથી જે બહાર નીકળે છે, તે જ માણસને વટાળે છે. 21કેમ કે માંહેથી, એટલે માણસોના હૃદયમાંથી, ભૂંડા વિચારો નીકળે છે, એટલે છીનાળા, ચોરીઓ, હત્યાઓ 22વ્યભીચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, અને મુર્ખપણું. 23એ બધાં ભૂંડા વાનાં માંહેથી નીકળે છે, ને માણસને વટાળે છે."
24પછી તે ત્યાંથી ઊઠીને, તૂર તથા સીદોનની સીમોમાં ગયો, અને તે ઘરમાં પેઠો, ને તે કોઈને ન જાણે એવું તે ચાહતો હતો, પણ તે ગુપ્ત રહી ન શક્યો. 25પણ તરત, એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે તેના વિષે સાંભળીને, આવી ને તેના પગ આગળ પડી. 26તે સ્ત્રી ગ્રીક હતી, તે સિરિયાના ફિનીકીયા કુળની હતી, અને તેણે પોતાની દીકરીમાંથી અશુદ્ધ આત્મા કાઢવાને તેને વિનંતી કરી. 27પણ ઈસુએ તેને કહ્યું કે, "છોકરાંને પહેલાં ધરાવા દે, કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને તે ફેકવી એ વાજબી નથી." 28પણ તેણે તેને ઉત્તર આપ્યો કે, "હા, પ્રભુ, કૂતરાં પણ મેજ તળે છોકરાંના કકડામાંથી ખાય છે." 29અને તેણે તેને કહ્યું કે, "આ વાતને લીધે, જા! તારી દીકરીમાંથી અશુદ્ધ આત્મા નીકળ્યું છે." 30અને તેણે પોતાને ઘેર આવીને જોયું, તો છોકરી ખાટલા પર સૂતેલી છે, ને તેનામાંથી ભૂત નીકળ્યું છે.
31અને ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સીદોનમાં થઈને દશનગરની સીમોની મધ્યે થઈને, ગાલીલના સમુદ્રની પાસે તે આવ્યો. 32અને તેઓ એક બહેરા બોબડા માણસને તેની પાસે લાવે છે, અને તેના પર પોતાના હાથ મૂકવાને તેને વિનંતી કરે છે. 33અને તેણે લોક પાસેથી તેને એકાંતમાં લઈ જઈને, તેના કાનોમાં પોતાની આંગળી ઘાલી, અને થુંકીને, તેની જીભને અડક્યો. 34અને આકાશ તરફ જોઈને, તેણે નિસાસો મૂકીને તેને કહ્યું કે, "એફફથા!" (એટલે, "ઉઘડી જા!"). 35અને તરત તેના કાનો ઉઘડી ગયા, અને તેની જીભનું બંધન છુટ્યું, ને તે સાફ બોલ્યો 36અને તેણે તેઓને તાકીદ કરી કે તમારે તે કોઈને કહેવું નહિ. પણ જેમ જેમ તેણે વધારે તાકીદ કરી, તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું. 37અને તેઓ બેહદ અચંબો પામ્યા, બોલ્યા કે, "તેણે બધું સારું જ કર્યું છે. તે બહેરાંઓને પણ સાંભળતાં કરે છે અને મૂંગાંઓને બોલતાં કરે છે."
81તે દિવસોમાં, જ્યારે ફરી અતિ ઘણા લોક હતા, ને તેઓની પાસે કઈ ખાવાનું ન હતું, ત્યારે તે પોતાના શિષ્યોને પાસે બોલાવીને, તેઓને કહે છે કે, 2"લોક પર મને દયા આવે છે કેમ કે હમણાં ત્રણ દહાડાથી તેઓ મારી જોડે રહ્યા છે ને તેઓની પાસે કઈ ખાવાનું નથી. 3અને જો હું તેઓને ભૂખ્યા ઘેર મોકલું, તો વાટમાં તેઓ નિર્ગત થઈ જશે, વળી તેઓમાંના કેટલાએક આઘેથી આવ્યા છે." 4તેના શિષ્યોએ તેને ઉત્તર આપ્યો કે,"અહી રાનમાં ક્યાંથી કોઈ એટલા બધા લોકોને રોટલીથી તૃપ્ત કરી શકે?" 5અને તેણે તેઓને પૂછ્યું કે, "તમારી પાસે કેટલી રોટલી છે?" અને તેઓને તેને કહ્યું, "સાત." 6અને તેણે લોકને જમીન પર બેસવાનો હુકમ આપ્યો, અને સાત રોટલી લઈને તેણે સ્તુતિ કરીને ભાંગીને, પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી અને તેઓએ લોકને પીરસી. 7અને તેઓની પાસે થોડી નાની માછલી પણ હતી, અને તેણે તે પર આશીર્વાદ માગીને, તે પણ લોકોને પીરસવાનું કહ્યું. 8અને તેઓ ખાઈને ધરાયા, અને તેઓએ બાકી રહેલા કકડાઓની - સાત ટોપલી ઉઠાવી. 9અને ખાનારા આશરે ૪, ૦૦૦, હતા અને તેણે તેઓને વિદાય કર્યા 10અને તરત, પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેસીને, તે દલ્મનૂથાની સીમોમાં આવ્યો.
11અને ફરોશીઓ નીકળી આવ્યા, ને તેનું પરીક્ષણ કરતા, તેની પાસે આકાશમાંથી નિશાની માગીને, તેની સાથે વિવાદ કરવા લાગ્યા 12અને પોતાના આત્મામાં ઊંડો નિસાસો મૂકીને, તે કહે છે, "આ પેઢી નિશાની કેમ માંગે છે? હું તમને ખચીત કહું છું, કે આ પેઢીને કંઇજ નિશાની અપાશે નહિ..." 13અને તેઓને મૂક્યા પછી, તે પાછો હોડીમાં બેસીને, પેલે પાર ગયો.
14અને તેઓ રોટલી લાવવાને વિસરી ગયા હતા, અને તેઓની પાસે હોડીમાં એક કરતા વધારે રોટલી નહોતી. 15અને તેણે તેઓને આજ્ઞા આપી, કે, "જો જો! ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહો." 16અને તેઓએ માંહોમાંહે સંવાદ કરીને કહ્યું કે આપણી પાસે રોટલી નથી. 17અને ઈસુએ એ જાણીને, તેઓને કહ્યું કે, "તમારી પાસે રોટલી નથી એ માટે તમે કેમ સંવાદ કરો છો? હજી સુધી શું તમે નથી જાણતા, ને નથી સમજતા? શું તમારાં હૃદય કઠણ થયાં છે? 18તમને આંખો છતાં, શું તમે નથી દેખતા? અને કાનો છતાં, શું તમે નથી સાંભળતાં? અને શું યાદ નથી રાખતા? 19જ્યારે ૫, ૦૦૦, ને સારુ પાંચ રોટલી મેં ભાંગી ત્યારે તમે કકડાઓની ભરેલી કેટલી ટોપલી ઉઠાવી?" તેઓ તેને કહે છે કે, "૧૨." 20"અને જ્યારે ૪, ૦૦૦, ને સારુ સાત ત્યારે તમે ક્ક્ડાથી ભરેલી કેટલી ટોપલી ઉઠાવી?" અને તેઓએ કહ્યું કે, "સાત." 21અને તેણે તેઓને કહ્યું, "શું તમે હજી નથી સમજતા?"
22અને તે બેથસૈદામા આવે છે, અને તેઓ તેની પાસે એક આંધણા માણસને લાવે છે ને તેને અડકવા સારું તેઓ તેને વિનંતી કરે છે. 23અને આંધળાનો હાથ પક્ડીને તે તેને ગામમાંથી બહાર લઈ ગયો, ને તેની આંખોમાં થૂંકીને, તેના પર હાથ મૂકીને, તેને પૂછ્યું કે, "તું કઈ જુએ છે?" 24અને ઊચું જોઈને, તેણે કહ્યું કે, "હું માણસોને દેખું છું કેમ કે તેઓને વૃક્ષોના જેવા ચાલતા દેખું છું." 25ત્યારે તેણે ફરી તેની આંખો પર હાથ મુક્યા, અને તેણે તાકીને જોયું ને સાજો થયો, ને સઘળું સ્પષ્ટ રીતે દીઠું. 26અને તેણે તેને તેના ઘેર મોકલતા, કહ્યું કે, "ગામમાં પણ પેસતો ના."
27અને ઈસુ તથા તેના શિષ્યો કૈસરીયા ફિલિપ્પીના ગામોમાં ગયા, અને માર્ગમાં તેણે પોતાના શિષ્યોને પૂછ્યું કે, "હું કોણ છું એ વિષે માણસો શું કહે છે?" 28પણ તેઓએ તેને, કહ્યું કે, "કોઈ કહે છે કે તું યોહાન બાપ્તિસ્ત છે, અને કોઈ કહે છે કે, તું એલિયા છે, અને કોઈ કહે છે કે, તું પ્રભોધકોમાંનો એક છે." 29અને તેણે તેઓને પૂછ્યું, "પણ હું કોણ છું એ વિષે તમે શું કહો છો?" પિતરે તેને ઉત્તર આપ્યો કે, "તું તો ખ્રિસ્ત છે." 30અને તેણે તેઓને તાકીદ કરી કે મારા વિષે તમારે કોઈને કહેવું નહિ.
31અને તે તેઓને શીખવવા લાગ્યો કે માણસના દીકરાએ ઘણું સહેવું અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું અને માર્યા જવું અને ત્રણ દહાડા પછી પાછા ઉઠવું એ જરૂરનુ છે. 32અને તે એ વાત ઉઘાડી રીતે બોલ્યો. અને પિતર, તેને એક બાજુએ લઈ જઈને, તેને ઠપકો આપવા લાગ્યો. 33પણ ઈસુએ, પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને, પિતરને ઠપકો આપ્યો કે, "શેતાન! મારી પછવાડે જા, કેમ કે તું ઈશ્વરની વાતો પર નહિ પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે." 34અને તેણે પોતાના શિષ્યો સુદ્ધાં લોકોને પાસે બોલાવીને, તેઓને કહ્યું કે, "જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો, તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઊચકીને મારી પાછળ ચાલવું. 35કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. 36કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને શો લાભ થાય? 37વળી માણસ પોતાના જીવનો શો બદલો આપશે? 38કેમ કે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે ત્યારે તે શરમાશે."
91અને તેણે તેઓને કહ્યું કે, "હું તમને ખચીત, કહું છું કે, અહી ઉભા રહેનારાઓમાંના કેટલાએક એવા છે કે જેઓ પરાક્રમ સાથે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલાં મરણ ચાખશે જ નહિ." 2અને છ દહાડા પછી, ઈસુ પિતરને તથા યાકૂબને તથા યોહાનને સાથે લઈને, તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ જાય છે, અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું. 3અને તેના લૂગડાં ઊજળા, બહુ જ સફેદ થયા, એવા કે પૃથ્વીમાં કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે. 4અને એલિયા મૂસાની સંઘાતે તેઓને દેખાયો, ને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા. 5અને પિતર ઉત્તર આપીને, ઈસુને કહે છે કે, "રાબ્બી, અહી રહેવું આપણે માટે સારું છે, તો અમે ત્રણ માંડવા બાંધીએ, એક તારે વાસ્તે અને એક મૂસાને વાસ્તે, ને એક એલિયાને વાસ્તે." 6(કેમ કે શું બોલવું એ તેને સૂઝયું નહિ, કેમ કે તેઓ બહુ બીધા હતા.) 7અને એક વાદળું આવ્યું, ને તેઓ પર છાયા કરી, અને વાદળમાંથી એવી વાણી થઈ કે, "આ મારો વહાલો, દીકરો છે. તેનું સાંભળો." 8અને તત્કાળ, ચોતરફ જોઈને, તેઓએ પછી પોતાની સાથે એકલા ઈસુ વિના, કોઈને દીઠો નહિ.
9અને પહાડ પરથી તેઓ ઊતરતા હતા ત્યારે, તેણે તેઓને ફરમાવ્યું કે તમે જે જોયું છે તે માણસનો દીકરો મૂએલાઓમાંથી પાછો ન ઊઠે, ત્યાં સુધી કોઈને કહેતા ના 10અને તેઓએ તે વાત મનમાં રાખી, ને "મૂએલામાંથી પાછા ઉઠવું" એ શું હશે તે વિષે માંહોમાંહે વિવાદ કરતા હતા. 11અને તેઓએ તેને પ્રશ્ન કરતા, પૂછ્યું કે, "શાસ્ત્રીઓ કેમ કહે છે કે પહેલાં એલિયાએ આવવું જોઈએ?" 12અને તેણે તેઓને કહ્યું કે, "એલિયા પહેલાં આવીને સર્વને સુધારે છે ખરો. અને માણસના દીકરા વિષે એમ કેમ લખેલું છે કે તેણે ઘણું દુઃખ સહેવું ને તુચ્છાકર પામવો? 13પણ હું તમને કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે, અને તેના વિષે લખેલું છે, તે પ્રમાણે જેમ તેઓએ ચાહ્યું તેમ તેને કર્યું."
14અને તેઓએ શિષ્યોની પાસે આવીને, તેઓની આસપાસ અતિ ઘણા લોકને તથા તેઓની સાથે વિવાદ કરતા શાસ્ત્રીઓને દીઠા. 15અને તરત, તે બધા લોક, તેને જોઈને, બહુ અચરતી પામ્યા, ને દોડીને તેને સલામ કરી 16અને તેણે તેઓને પૂછ્યું કે, "તેઓની જોડે તમે શો વિવાદ કરો છો?" 17અને લોકમાંથી એકે તેને ઉત્તર આપ્યો કે, "ઉપદેશક, હું મારા દીકરાને તારી પાસે લાવ્યો, તેને મૂંગો આત્મા વળગેલો છે. 18અને જ્યાંકહી તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે, અને તે ફીણ કાઢે છે ને દાંત પીસે છે, ને તેનું શરીર અક્કડ થઇ જાય છે, અને મેં તારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું, પણ તેઓ કાઢી શક્યા નહિ." 19પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે, "ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો." 20અને તેઓ તેને તેની પાસે લાવ્યા, ને તેને જોઈને, આત્માએ તરત તેને મરડયો, અને જમીન પર પડીને, તે ફીણ કાઢતો, તરફડયો. 21અને તેણે એના બાપને પૂછ્યું કે, "એને આ થયાને કેટલો કાળ થયો છે?" અને તેણે કહ્યું કે, "બાળપણથી." 22અને તેનો નાશ કરવા સારું તેણે ઘણી વેળાએ તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે, પણ જો તું કઈ કરી શકે તો, અમારા પર કરુણા રાખીને, મદદ કર." 23પણ ઈસુએ તેને કહ્યું કે, "'જો તું કરી શકે'? વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે." 24અને તરત બાળકના બાપે, ઘાંટો પાડતાં કહ્યું કે, "હું વિશ્વાસ કરું છું! મારા અવિશ્વાસ વિષે મને મદદ કર!" 25પણ ટોળું તેમની પાસે દોડતું આવે છે એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને, કહ્યું કે, "મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે, તેમાંથી નીકળ, ને ફરી તેમાં ન પેસ." 26અને ચીસ પાડીને, ને તેને બહુ મરડીને તે નીકળ્યો, અને તે મૂઆ માણસ જેવો થઈ ગયો, એવો કે ઘણાખરાએ કહ્યું કે, "તે મરી ગયો છે." 27પણ ઈસુએ, તેનો હાથ ઝાલીને તેને ઊઠાવ્યો, અને તે ઊભો થયો. 28અને તે ઘરમાં આવ્યો ત્યારે, તેના શિષ્યોએ તેને એકાંતમાં પૂછ્યું કે,"અમે કેમ તે કાઢી ન શક્યા?" 29અને તેણે તેઓને કહ્યું કે, "પ્રાર્થના અને ઉપવાસ સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી."
30અને ત્યાથી નીકળીને, તેઓ ગલીલમાં થઈને ગયા, અને તે કોઈ ન જાણે એવી તેની ઈચ્છા હતી, 31કેમ કે તે પોતાના શિષ્યોને શીખવતો. અને તેઓને કહેતો કે, "માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાયો છે, ને તેઓ તેને મારી નાખશે. અને મારી નંખાયા પછી, તે ત્રીજે દહાડે પાછો ઊઠશે." 32અને તેઓ આ વાત સમજ્યા નહિ, અને તેને પૂછતાં બીધા.
33અને તેઓ કફર-નહૂમમાં આવ્યા, અને તે ઘરમાં હતો, ત્યારે તેણે તેઓને પૂછયું કે, "તમે માર્ગમાં શો વિવાદ કરતા હતા?" 34પણ તેઓ છાના રહ્યા, કેમ કે માર્ગમાં તેઓ માંહોમાંહે વિવાદ કરતા હતા કે મૂખ્ય કોણ છે? 35અને તે બેઠો, ને બારેને તેડીને તેઓને કહે છે કે, "જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો સેવક થાય." 36અને તેણે એક બાળક લઈને, તેઓની વચમાં ઊભુ રાખ્યું, અને તેને ખોળામાં લઈને, તેઓને કહ્યું કે, 37"જે કોઈ મારે નામે એવા બાળકોમાંના એકનો સ્વીકાર કરે તે મારો સ્વીકાર કરે છે; અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ પણ જેણે મને મોકલ્યો છે તેનો સ્વીકાર કરે છે." 38યોહાને તેને કહ્યું કે, "ઉપદેશક, અમે કોઈએકને તારે નામે ભૂત કાઢતાં દીઠો, અને અમે તેને મના કરી કારણ કે તે આપણી સાથે ચાલતો નથી." 39પણ ઈસુને તેને કહ્યું કે, "તેને મના કરશો નહિ, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે ચમત્કાર કરે ને સહેજ મારી નિંદા કરી શકે 40કેમ કે જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષનો છે. 41કેમ કે હું તમને ખચીત કહું છું કે તમે ખ્રિસ્તના છો એ નામના કારણથી જે કોઈ તમને પ્યાલો પાણી પાશે, તે પોતાનું ફળ નહિ ખોશે. 42અને જે નાનાંઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે, તેને માટે તે કરતા આ સારું છે કે તેની કોટે ઘંટીનું પડ બંધાય ને તે સમુદ્રમાં નંખાય. 43અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ. તને બે હાથ છતાં નરકમાં ન હોલવાનાર અગ્નિમાં જવું, તેના કરતા ઠૂંઠો થઈને જીવનમાં પેસવું, એ તારે માટે સારું છે. 44[કે જ્યાં તેઓનો કીડો મરતો નથી, અને અગ્નિ હોલવાતો નથી.] 45અને જો તારો પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ. તને બે પગ છતાં નરકાગ્નિમાં નંખાવું, તેના કરતા લંગડો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. 46[કે જ્યાં તેઓનો કીડો મરતો નથી, અને અગ્નિ હોલવાતો નથી.] 47અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખ. તને બે આંખ છતા નરકાગ્નિમાં નંખાવું, તેના કરતા એક આંખ સાથે ઈશ્વરના રાજ્યમાં પેસવું એ તારે માટે સારું છે. 48[કે જ્યાં તેઓનો કીડો મરતો નથી, અને અગ્નિ હોલવાતો નથી.] 49કેમ કે અગ્નિથી હરેક સલૂણું કરાશે. 50મીઠું તો સારું છે, પણ જો મીઠું સ્વાદ વગરનું હોય, તો તેને શાથી ખરું કરશો? પોતામાં મીઠું રાખો, ને માંહોમાંહે સલાહ રાખો."
101અને ત્યાંથી ઊઠીને, તે યર્દનને પેલે પાર યહૂદીયાના પ્રદેશોમાં આવે છે, અને ફરી ઘણા લોકો આવીને તેમની પાસે એકત્ર થાય છે. અને તેમના રીવાજ પ્રમાણે, તેમણે ફરી તેઓને બોધ કર્યો. 2અને ફરોશીઓએ પાસે આવીને, તેમનું પરીક્ષણ કરતાં, તેમને પૂછ્યું શું પુરુષે પોતાની પત્નીને મૂકી દેવી ઉચિત છે? 3પણ તેણે, તેઓને કહ્યું, "મૂસાએ તમને શી આજ્ઞા આપી હતી?" 4અને તેઓએ કહ્યું, "ફારગતી લખીને તેને મૂકી દેવાની મૂસાએ રજા આપી." 5પણ ઈસુએ તેઓને કહ્યું, " તમારા હૃદયની કઠણતાને લીધે, મૂસાએ તમારે માટે એવી આજ્ઞા લખી. 6પણ ઉત્પત્તિના આરંભથી,
'તેણે તેઓને નર તથા નારી બનાવ્યા.'
7'એ કારણથી માણસ પોતાનાં માબાપને મૂકી દેશે,
8અને તેઓ બન્ને એક દેહ થશે.'
એ માટે તેઓ ત્યાર પછી બે નથી, પણ એક દેહ છે. 9માટે ઈશ્વર જેને જોડ્યું છે, તેને માણસે જુદું ન પાડવું." 10અને ઘરમાં તેમના શિષ્યોએ ફરી, તે જ બાબત વિષે તેમને પૂછ્યું. 11અને તે તેઓને કહે છે, "જે કોઈ પોતાની પત્નીને મૂકી દે ને બીજીને પરણે તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે. 12અને જો તેણી , પોતાના પતિને મૂકી દે, ને બીજાને પરણે, તો તે વ્યભિચાર કરે છે."
13અને તેઓ તેમની પાસે બાળકો લાવ્યા કે તે તેઓને અડકે, અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા. 14પણ તે જોઈને, ઈસુ નાખુશ થયા ને તેમણે તેઓને કહ્યું, "બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને રોકો નહિ, કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું છે. 15હું તમને ખચીત કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ તે એમાં પ્રવેશ કરશે જ નહિ" 16અને તેણે તેઓને બાથમાં લીધા, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો.
17અને તે બહાર નીકળીને રાસ્તે જતો હતો, ત્યારે એક જણ તેની પાસે દોડતો આવ્યો, ને તેણે તેની આગળ ઘુંટણ ટેકવીને, પૂછ્યું કે, "ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું?" 18અને ઈસુએ તેને કહ્યું કે, "તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર તે વિના કોઈ ઉત્તમ નથી. 19તું આજ્ઞાઓ જાણે છે: 'ખૂન ન કર, વ્યભિચાર ન કર, ચોરી ન કર, જુઠી શાહેદી ન પૂર, ઠગાઈ ન કર, તારા માબાપનું સન્માન કર." 20અને તેણે તેને કહ્યું કે, "ઉપદેશક, એ સર્વ આજ્ઞાઓ તો હું નાનપણથી પાળતો આવ્યો છું." 21પણ ઈસુ, તેની તરફ જોઈને, તેના પર હેત આવ્યું, ને તેને કહ્યું કે, "તું એક વાત સંબંધી અધુરો છે; જા, તારું જે છે તે જઈને વેચી નાખ, ને દરિદ્રીઓને તે આપી દે, ને આકાશમાં તને દોલત મળશે, અને આવ, મારી પાછળ ચાલ." 22પણ તે, આ વાતને લીધે, તેનું મોં ઉતરી ગયું, ને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમકે તેની સંપતિ ઘણી હતી.
23અને ઈસુ આસપાસ જોઈને, ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, "જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું કેટલું બધું અઘરું પડશે." 24અને તેની વાતથી શિષ્યો અચંભો પામ્યા, પણ ઈસુ ફરી ઉત્તર આપીને, તેઓને કહે છે કે, "છોકરાં, ઈશ્વરના રાજ્યમાં પેસવું કેવું અઘરું છે." 25દોલાતવાન વ્યક્તિ ને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતા ઉટને સોયના નાકમાં થઈને જવું સહેલ છે." 26અને તેઓએ ઘણી અચરતી પામીને, માંહોમાંહે કહ્યું, "તો કોણ તારણ પામી શકે?" 27તેઓની તરફ જોઇને, ઈસુ કહે છે કે, "માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી. કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે." 28અને પિત્તર તેને કહેવા લાગ્યો, "જો, અમે બધું મુકીને તારી પાછળ આવીયા છીએ." 29ઈસુએ તેને કહ્યું કે, "હું તમને ખચીત કહું છું કે, જે કોઈએ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાંને કે ખેતરોને મૂકી દીધા હશે, 30તે હમણાં આ કાળમાં સો ગણા: ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાંને તથા ખેતરોને સતાવણી સુદ્ધાં, તથા આવતા કાળમાં અનંત જીવન પામ્યા વગર રહેશે નહિ. 31પણ ઘણાં જેઓ પહેલાં તેઓ છેલ્લાં, ને જેઓ છેલ્લાં તેઓ પહેલાં થશે."
32અને યરુશાલેમની ભણી ચઢતા, તેઓ માર્ગમાં હતાં, અને ઈસુ તેઓની આગળ ચાલતો હતો. અને તેઓ અચંભો પામ્યા, ને પાછળ ચાલનાર બીધા. અને તે ફરી વાર શિષ્યોને પાસે બોલાવીને, પોતા પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યો. 33"જુઓ આપણે યરુશાલેમ જઈએ છીએ, અને માણસનો દીકરો મુખ્ય યાજ્કોને તથા શાસ્ત્રીઓને સોંપાશે, અને તેઓ તેના પર મરણ દંડ ઠરાવશે ને તેને વિદેશીઓને સોંપશે. 34અને તેઓ તેની મશ્કરી કરશે ને તેના પર થુંકશે ને તેને કોરડા મારશે ને તેને મારી નાખશે, પણ ત્રીજે દહાડે, તે પાછો ઉઠશે."
35અને ઝબદીનાં દીકરા, યાકૂબ તથા યોહાન, તેની પાસે આવીને કહે છે કે, "ઉપદેશક, અમારી ઈચ્છા છે કે અમે જે કઈ માંગીએ, તે તું અમારે વાસ્તે કરે." 36અને તેણે તેઓને કહ્યું કે, "તમારી શી ઈચ્છા છે હું તમારે વાસ્તે શું કરું?" 37અને તેઓએ તેને કહ્યું કે, "તારા મહિમામાં અમે એક તારે જમણે હાથે ને એક તારે ડાબે હાથે બેસીએ, એવું અમારે વાસ્તે કર." 38પણ ઈસુએ તેઓને કહ્યું કે, "તમે જે માંગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીવું છું તે શું તમે પી શકો છો અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છો?" 39અને તેઓએ તેને કહ્યું કે, "અમે તેમ કરી શકીએ છે." પણ ઈસુએ તેઓને કહ્યું કે, "જે પ્યાલો હું પીવું છું, તે તમે પીશો ખરા, ને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લેશો ખરા. 40પણ મારે જમણે હાથ કે ડાબે હાથે કોઈને બેસવા દેવું એ મારું કામ નથી, પણ જેઓને સારુ તે સિદ્ધ કરેલું છે તેઓને માટે છે." 41અને બાકીના દશ એ સાંભળીને, યાકૂબ તથા યોહાન સંબંધી નાખુશ થયા. 42પણ પાસે બોલાવીને, ઈસુ તેઓને કહે છે, "તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ રાજ કરનારા કહેવાય છે તેઓ તેમના પર ધણીપણું કરે છે, અને તેઓમાં જે મોટા તેઓ તેમના પર અધિકાર ચલાવે છે. 43પણ તમારામાં એમ નથી. પણ, તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય, 44અને જે કોઈ તમારામાં પ્રથમ થવા ચાહે તે સહુનો દાસ થાય. 45કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને આવ્યો નથી, પણ સેવા કરવાને ને ઘણાંની ખંડણીને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે."
46અને તેઓ યરીખોમાં આવે છે, અને યરીખોમાંથી તે તથા તેના શિષ્યો તથા ઘણાં લોક નીકળતા હતાં ત્યારે, તિમાયનો દીકરો, બર્તીમાય, જે આંધળો ભિખારી હતો, તે માર્ગની કોરે બેઠો હતો. 47અને એ ઈસુ નાઝરી છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે, "ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર!" 48અને ઘણાંએ તેને ધમકાવ્યો કે ચુપ રહે , પણ તેણે વત્તી બૂમ પાડી, કે "ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર!" 49અને ઈસુએ ઉભા રહીને, કહ્યું કે, "તેને બોલાવો." અને આંધળા માણસને બોલાવીને, તેઓ તેને કહે છે કે, "હિમત રાખ! ઉઠ! તે તને બોલાવે છે." 50અને તે પોતાનું લૂગડું નાખી દઈને, ઉઠ્યો, ને ઈસુનીપાસે આવ્યો, 51અને ઈસુએ, તેને કહ્યું કે, "હું તારે સારુ શું કરુ એ વિષે તારી શી ઈચ્છા છે?" આંધળાએ તેને કહ્યું કે, "સ્વામી, હું દેખતો થાઉં." 52અને ઈસુએ તેને કહ્યું કે, જા. તારા વિશ્વાસે તને સાજો કર્યો છે." અને તરત તે દેખતો થયો, ને માર્ગમાં ઈસુની પાછળ ગયો.
111અને તેઓ યરુશલેમ નજદીક, જૈતુનના પહાડ આગળ, બેથફ્ગે તથા બેથનિયાની પાસે આવે છે, ત્યારે તે પોતાના શિષ્યોમાંના બેને આગળ મોકલે છે 2ને તેઓને કહે છે કે, "તમારા સામેના ગામમાં જાઓ, અને તેમાં તમે પેસશો, કે તરત, એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી, એવો તમને બાંધેલો મળશે. તેને છોડી અહી લાવો. 3અને જો કોઈ તમને પૂછે કે, 'તમે શા માટે એમ કરો છો?' તો એમ કહો કે, 'પ્રભુને તેનો ખપ છે અને તરત તે એને અહી મોકલશે."' 4અને તેઓ ગયા ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો, અને તેઓ તેને છોડે છે. 5અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાએકે તેઓને પૂછ્યું કે, "વછેરાને તમે, શું કરવા છોડો છો?" 6અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું, અને તેઓએ તેમને જવા દીધા. 7અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા ને તેના પર પોતાનાં લૂગડાં નાખ્યાં, અને તેના પર તે બેઠો. 8અને ઘણાઓએ પોતાનાં લૂગડાં રસ્તામાં પાથર્યા, અને બીજાઓએ, ખેતરોમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. 9અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતા કહ્યું કે,
"હોસાન્ના! પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય છે.
10આપણા પિતા દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે તે આશીર્વાદિત છે!
પરમ ઉચામાં હોસાન્ના!"
11અને ઈસુ યરુશાલેમ જઈને, ભક્તિસ્થાનમાં ગયો,; અને ચોતરફ બધું જોઈને, સાંજ પડ્યા પછી, બારે સુદ્ધાં નીકળીને તે બેથનીયામાં ગયો. 12અને બીજે દહાડે, તેઓ જ્યારે બેથનીયામાંથી નીકળી આવતાં પછી, તે ભૂખ્યો થયો. 13અને એક અંજીરી જેને પાંદડા આવ્યા હતાં, તેને આઘેથી જોઈને, તે તેની પાસે ગયો કે, કદાચ તેને તે પરથી કઈ મળે. પણ તેની પાસે આવ્યો ત્યારે પાંદડા વિના, તેને કઈ મળ્યું નહિ, કેમ કે અંજીરોની ઋતુ ન હતી. 14અને ઈસુએ તેને કહ્યું કે, "હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાઓ." અને તેના શિષ્યોએ એ સાંભળ્યું
15અને તેઓ યરુશાલેમ આવે છે, અને તે ભક્તિસ્થાનમાં પેસીને, ભક્તિસ્થાનમાં વેચનારાઓને તથા ખરીદનારાઓને કાઢી મૂકવા લાગ્યો, ને નાંણાવાટીઓના બાજઠ તથા કબુતર વેચનારાઓના આસનો ઊંધા વાળ્યા, 16અને કોઈને ભક્તિસ્થાનમાં થઈને કઈ વાસણ લઈ જવા દીધું નહિ. 17અને તેઓને બોધ કરતા તેણે કહ્યું કે, "શું એમ લખેલું નથી કે,
'મારું ઘર સર્વ દેશનાઓને સારુ પ્રાર્થનાનું ઘર કહેવાશે'?
પણ તમે તેને લુટારાઓનું કોતર કર્યું છે."
18અને મૂખ્ય યાજ્કોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું, ને તેનો નાશ શી રીતે કરવો તે વિષે શોધ કરી, કેમ કે તેઓ તેનાથી બીધા કારણકે સર્વ લોક તેના ઉપદેશથી અચરતી પામતા. 19અને દર સાંજે, તે શહેર બહાર જતો.
20અને તેઓએ સવારે અંજીરની પાસે થઈને જતા, તેને જડથી સુકાઈ ગયેલી જોઈ. 21અને પિતર સંભારીને તેને કહે છે કે, "સ્વામી, જો! જે અંજીરને તે શાપ દીધો હતો તે સુકાઈ ગઈ છે." 22અને ઈસુ, તેઓને કહે છે કે, "ઈશ્વર પર વિશ્વાસ રાખો." 23કેમ કે હું તમને ખચીત કહું છું કે જે કોઈ આ પર્વતને એમ કહે કે, 'ખસેડાઈ જા ને સમુદ્રમાં નંખા,' અને પોતાના હદયમાં સંદેહ ન આણતા, વિશ્વાસ રાખશે કે જે હું કહું છું તે થશે, તો તે તેને વાસ્તે થશે. 24એ માટે, હું તમને કહું છું કે, પ્રાર્થના કરતા જે સર્વ તમે માંગો છો, તે અમે પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે. 25અને જયારે જ્યારે તમે ઉભાં રહીને પ્રાર્થના કરો છો, ત્યારે ત્યારે જો તારે કોઈની વિરુદ્ધ કંઇ હોય, તો તેને માફ કરો એ માટે કે તમારો પિતા જે આકાશમાં છે તે પણ તમારા અપરાધો તમને માફ કરે." 26[પણ જો તમે તેને માફ નહિ કરો, તો તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહિ.]
27અને ફરી તેઓ યરુશાલેમમાં આવે છે, અને તે ભક્તિસ્થાનમાં ફરતો હતો, ત્યારે મૂખ્ય યાજ્કોએ તથા શાસ્ત્રીઓએ તથા વડીલોએ તેની પાસે આવીને. 28અને તેઓએ તેને કહ્યું કે, "કયા અધિકારથી તું આ કામો કરે છે, અને આ કામો કરવાનો તને કોણે અધિકાર આપ્યો?" 29અને ઈસુએ તેઓને કહ્યું કે, "હું એક વાત તમને પૂછીશ, અને તેનો તમે મને જવાબ દો, તો હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું તમને કહીશ. 30યોહાનનું બાપ્તિસમાં, સ્વર્ગથી હતું કે માણસોથી? મને જવાબ આપો." 31અને તેઓએ માંહોમાંહે વિચાર કરીને, કહ્યું કે,"આપણે શું કહીએ? જો આપણે કહીએ કે, 'સ્વર્ગથી,' તો તે કહેશે કે, 'ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ નહિ કર્યો? 32પણ જો કહીએ કે, 'માણસથી,'? (તો તેઓ લોકથી બીધા, કેમ કે બધા લોક યોહાનને નિશ્ચે પ્રબોધક માનતા હતાં.) 33અને તેઓ ઉત્તર આપીને ઈસુને, કહે છે કે, "અમે જાણતા નથી." અને ઈસુ તેઓને કહે છે કે, "હું ક્યા અધિકારથી આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી."
121અને તે તેઓને દ્રષ્ટાંતોમાં કહેવા લાગ્યો કે: એક માણસે દ્રાક્ષાવાડી રોપી ને તેની આસપાસ વાડ કરી ને દ્રાક્ષા કુંડ ખોદ્યો ને બુરજ બાંધ્યો ને ખેડૂતોને તે ઈજારે આપીને પરદેશ ગયો. 2અને મોસમે, તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો કે તે ખેડૂતો પાસેથી દ્રાક્ષાવાડીનાં ફળ માંથી કઈ લે 3પણ તેઓએ તેને પકડયો, તેઓએ તેને માર્યો, ને ખાલી હાથે પાછો મોકલ્યો. 4અને ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો, અને તેઓએ તેનું માથું ફોડી નાખ્યું ને તેને ધિક્કારીને કાઢી મુક્યો. 5અને તેણે બીજો મોકલ્યો, અને તેઓએ તેને મારી નાખ્યો, અને બીજા ઘણાં મોકલ્યા -અને તેઓએ કેટલાકને કોરડા માર્યા ને કેટલાકને મારી નાખ્યાં. 6હવે એક બાકી હતો, જે તેનો વ્હાલો દીકરો હતો, એને પણ તેણે આખરે તેઓની પાસે મોકલીને, કહ્યું કે, 'તેઓ મારા દીકરાની અદબ રાખશે.' 7પણ તે ખેડૂતોએ માંહોમાંહે કહ્યું કે, 'એ તો વારસ છે. ચાલો, તેને મારી નાખીએ. તો વારસો આપણો થશે.' 8અને તેઓએ તેને પકડીને મારી નાખ્યો, ને દ્રાક્ષાવાડીમાંથી બહાર ફેકી દીધો. 9એ માટે, દ્રાક્ષાવાડીનો ધણી શું કરશે? તે આવશે ને એ ખેડૂતોનો નાશ કરશે ને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે. 10અને શું તમે આ લેખ નથી વાંચ્યો કે
'જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો,
તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો.
11એ પ્રભુથી થયું,
ને તે આપણી નજરમાં આશ્ચર્યકારક છે."'
12અને તેઓએ તેને પકડવાને શોધ કરી, પણ તેઓ લોકથી બીધા, કેમ કે તેઓએ જાણ્યું કે તેણે આપણા પર આ દૃષ્ટાંત કહ્યું છે. અને તેઓ તેને મુકીને, ચાલ્યા ગયા.
13અને તેઓ તેની પાસે કેટલાએક ફરોશીઓને તથા હેરોદીઓને મોકલે છે કે તેઓ વાતમાં તેને સપડાવે. 14અને તેઓ આવીને, તેને કહે છે કે, "ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું ખરો છે, ને તું કોઈની દરકાર કરતો નથી, કેમ કે માણસોનું મો તું રાખતો નથી, પણ સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખાવે છે. કૈસરને કર આપવો ઉચિત છે કે નહી? અમે આપીએ, કે અમે ન આપીએ?" 15પણ તેણે, તેઓનો ઢોંગ જાણીને, તેઓને કહ્યું કે, "તમે મારું પરીક્ષણ કેમ કરો છો? એક દીનાર મારી પાસે લાવો કે હું તે જોઉં." 16અને તેઓ એક લાવ્યા, અને તે તેઓને કહે છે કે, "આ સૂરત તથા લેખ કોના છે? અને તેઓએ તેને કહ્યું કે, "કૈસરનાં." 17અને ઈસુએ કહ્યું કે, "જે કૈસરના છે, તે કૈસરને, ને જે ઈશ્વરના છે, તે ઈશ્વરને ભરી આપો." અને તેઓ તેનાથી ઘણો અચંભો પામ્યા.
18અને સદુકીઓ, જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓ તેની પાસે આવે છે અને તેઓએ તેને પ્રશ્નો પૂછતાં, કહ્યું કે, 19"ઉપદેશક, મુસાએ અમારે વાસ્તે લખ્યું છે કે જો કોઈનો ભાઈ નિસંતાન મૃત્યુ પામીને પત્નીને મૂકે, તો તેનો ભાઈ તેની પત્ની લે ને પોતાના ભાઈને સારુ બીજ ઉપજાવે. 20હવે સાત ભાઈઓ હતા, અને પહેલો પત્ની પરણીને, સંતાન વિના મરી ગયો, 21અને પછી બીજાએ તેને લીધી ને તે મરી ગયો, ને તે પણ કઈ સંતાન મૂકી ગયો નહી, અને એ પ્રમાણે ત્રીજાએ પણ. 22અને સાતે સંતાન વગર મરી ગયા. છેવટે, સ્ત્રી પણ મરી ગઈ. 23હવે પુનરુત્થાનમાં, જ્યારે તેઓ ફરીથી સજીવન થશે, તે તેઓમાંના કોની પત્ની થશે? કેમ કે સાતેની તે પત્ની થઈ હતી." 24ઈસુએ તેઓને કહ્યું કે, "શું તમે એ કારણથી ભૂલ નથી કરતા કે, તમે ધર્મલેખો તથા ઈશ્વરનું પરાક્રમ જાણતા નથી? 25કેમ કે મુએલામાથી ઉઠનારા, પરણતા પરણાવતા નથી, પણ તેઓ સ્વર્ગમાંના દૂતોના જેવા હોય છે. 26પણ મુએલા પાછા ઊઠે છે તે સંબંધી, શું તમે મૂસાના પુસ્તકમાંના, ઝાડી વિષેનાં પ્રકરણમાં નથી વાચ્યું કે, ઈશ્વર તેને એમ કહ્યું કે, 'હું ઈબ્રાહીમનો ઈશ્વર તથા ઈસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું'? 27તે મુએલાઓનો ઈશ્વર નથી પણ જીવતાઓનો ઈશ્વર છે. તમે મોટી ભૂલ કરો છો."
28અને શાસ્ત્રીઓમાના એકે, પાસે આવીને, તેઓની તકરાર સાંભળીને તેણે તેઓને સારો ઉત્તર આપ્યો છે, એમ જાણીને, તેને પૂછ્યું કે, "સહુ આજ્ઞાઓમાં પહેલી કઈ છે?" 29ઈસુએ ઉત્તર આપ્યો કે, "પહેલી એ છે કે, ઓ ઈસ્રાએલ, સાંભળ, પ્રભુ આપણો ઈશ્વર, તે પ્રભુ એક જ છે. 30અને તારા પુરા હદયથી, ને તારા પુરા જીવથી, ને તારી પૂરી બુદ્ધિથી, ને તારા પુરા સામર્થ્યથી પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રીતિ કર.' 31અને બીજી એ છે કે, 'જેમ તું પોતા પર પ્રીતિ કરે છે તેમ તારા પાડોશી પર પ્રીતિ કર.' તેઓ કરતા બીજી કોઈ મોટી આજ્ઞા નથી." 32અને શાસ્ત્રીએ તેને કહ્યું કે, "ખરેખર, ઉપદેશક! તેં સત્ય કહ્યું છે કે તે એક જ છે, અને તે વિના બીજો કોઈ નથી. 33અને પુરા હદયથી તથા પૂરી સમજણથી તથા પુરા સામર્થ્યથી તેના પર પ્રીતિ કરવી, તથા પોતા પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કરવી તે સર્વ સકળ દહનાર્પણ તથા યજ્ઞ કરતા અધિક છે." 34અને તેણે ડાહપણથી ઉત્તર આપ્યો છે, એ જોઈને ઈસુએ, "તેને કહ્યુ કે તું ઈશ્વરના રાજ્યથી વેગળો નથી." અને ત્યાર પછી કોઈએ તેને પૂછપરછ કરવાની હિમત ના કરી
35અને ભક્તિસ્થાનમાં બોધ કરતા, ઈસુએ ઉત્તર આપીને કહ્યું,"શાસ્ત્રીઓ કેમ કહે છે કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે? 36કેમ કે દાઉદે પોતે, પવિત્ર આત્માથી, કહ્યું કે,
'પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,
"તારા શત્રુઓને હું તારું પાયાસન કરું,
ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ."'
37દાઉદ પોતે તેને 'પ્રભુ' કહે છે તો તે તેનો દીકરો કેવી રીતે છે?" અને બધાં લોકે ખુશીથી તેનું સાંભળ્યું.
38અને તેણે બોધ કરતા, તેઓને કહ્યું કે, "શાસ્ત્રીઓથી સાવધાન રહો, તેઓ લાંબા જામાઓ પહેરીને ફરવાનું તથા ચોંટાઓમાં સલામો 39તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે. 40તેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે, ને ઢોંગ કરીને, લાંબી પ્રાર્થનાઓ કરે છે, એઓને વિશેષ સજા મળશે,"
41અને તેણે ખજાનાની સામે બેસીને, લોકો ભંડારમાં પૈસા કેવી રીતે નાખે છે તે જોયું, અને ઘણાં ધનવાનોએ ઘણાં નાખ્યા. 42અને એક દરિદ્રી વિધવાએ આવીને, બે દમડી, એટલે એક અધેલો નાખ્યો. 43અને તેણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને, તેઓને કહ્યું, "હું તમને ખચીત કહું છું કે, એ ભંડારમાં એ સર્વ નાખનારા કરતા આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે. 44કેમ કે તે સઘળાએ પોતાના ભરપુર પણામાંથી નાખ્યું, પણ તેણે, પોતાની તંગીમાંથી, પોતાનું સર્વસ્વ, એટલે પોતાનું સર્વ ઉપજીવિકા નાખી."
131અને ભક્તિસ્થાનમાંથી તે નીકળતો હતો ત્યારે, તેનો એક શિષ્ય તેને કહે છે કે, "ઉપદેશક, જો! કેવા પથ્થરો તથા કેવાં બાંધકામો!" 2અને ઈસુએ તેને કહ્યું કે, "શું તું એ મોટા બાંધકામો જુએ છે? પાડી નહિ નંખાય એવો એક પણ પથ્થર, બીજા પર અહી રહેવા દેવાશે નહિ."
3અને જૈતુનના પહાડ પર ભક્તિસ્થાનની સામે તે બેઠો હતો, ત્યારે પિતરે તથા યાકુબે તથા યોહાને તથા આન્દ્રિયાએ તેને એકાંતમાં પૂછ્યું, 4"અમને કહે કે, આ બધું ક્યારે થશે? અને જ્યારે એ બધા પૂરા થવાનાં હશે ત્યારે શું ચિહ્ન થશે?" 5અને ઈસુ તેઓને કહેવા લાગ્યા કે, "કોઈ તમને ભુલાવામાં ન નાખે માટે સાવધાન રહો. 6ઘણા મારે નામે આવીને, કહેશે કે, 'તે હું છું!' અને ઘણાઓને ભુલાવામાં નાખશે. 7પણ જ્યારે તમે લડાઈઓ વિષે તથા લડાઈની અફવા વિષે સાંભળશો, ત્યારે ગભરાશો મા; એમ થવું જ જોઈએ, પણ તેટલેથી અંત નહિ આવે. 8કેમ કે દેશ દેશની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે. ઠામોઠામ ધરતીકંપ થશે; ને દુકાળો પડશે. પ્રસુતિની વેદનાનો આ તો આરંભ છે.
9પણ તમે, પોતા વિષે સાવધાન રહો! તેઓ તમને ન્યાયસભાઓને અને સભાસ્થાનોમાં સોંપશે; તમે માર ખાશો, અને તમે મારે લીધે હાકેમો તથા રાજાઓની આગળ, તેઓને માટે શાહેદી થવા સારુ ઊભા કરાશો. 10અને પહેલાં, સર્વ દેશોમાં સુવાર્તા પ્રગટ થવી જોઈએ એ અગત્ય છે. 11અને જ્યારે તેઓ તમને લઈ જઈને, પરસ્વાધીન કરશે, ત્યારે શું બોલીએ તે વિષે અગાઉથી ચિંતા ન કરો. પણ તે વેળા તમને જે આપવામાં આવશે, તે બોલો; કેમ કે બોલનાર તે તમે નહિ, પણ પવિત્ર આત્મા છે. 12અને ભાઈ ભાઈને, તથા પિતા છોકરાને મરણને સારુ પરસ્વાધીન કરશે. અને છોકરાં પોતાના માતાપિતાઓની સામે ઉઠશે ને તેઓને મારી નંખાવશે. 13અને મારા નામને લીધે સહુ તમારો દ્વેષ કરશે. પણ જે અંત સુધી ટકશે, તે જ તારણ પામશે.
14પણ જ્યારે તમે ઉજ્જડના અમંગળપણાની નિશાની જ્યાં ઘટારત નથી ત્યાં ઊભી રહેલી જોશો (જે વાંચે છે તેણે સમજવું.), ત્યારે જેઓ યહુદીયામાં હોય તેઓ પહાડોમાં નાસી જાય, 15અને ધાબા પર જે હોય તે ઊતરીને ઘરમાંથી કઈ લેવા સારુ માંહે ન પેસે, 16અને જે ખેતરમાં હોય તે પોતાનું લૂગડું લેવાને પાછો ન ફરે. 17અને તે દહાડાઓમાં જેઓ ગર્ભવતી હશે, તથા જેઓ ધવડાવતી હશે તેઓને અફસોસ છે! 18માટે પ્રાર્થના કરો કે તમારું નાસવું શિયાળામાં ન થાય. 19કેમ કે તે દહાડાઓમાં જેવી વિપત્તિ થશે - તેવી વિપત્તિ ઈશ્વર સૃજેલી સૃષ્ટિના આરંભથી તે હજી સુધી થઈ નથી ને ફરી થશે પણ નહિ. 20અને જો પ્રભુએ એ દહાડાઓને ઓછા કર્યા ન હોત, તો કોઈ માણસ બચત નહિ. પણ જે પસંદ કરેલાઓને તેણે પસંદ કર્યા, તેઓને લીધે તેણે એ દહાડાઓને ઓછા કર્યા છે. 21અને તે વેળાએ જો કોઈ તમને કહે કે,' જુઓ, અહી ખ્રિસ્ત છે! જુઓ, તે ત્યાં છે!' તો તે માનતા ના. 22કેમ કે જૂઠા ખ્રિસ્તો તથા જૂઠા પ્રબોધકો ઉઠશે અને ચમત્કારો તથા અદભુત કામો કરી દેખાડશે, એ માટે કે, જો બની શકે તો તેઓ પસંદ કરેલાઓને પણ ભુલાવામાં નાખે. 23પણ તમે, સાવધાન રહો! જુઓ મેં તમને સઘળું અગાઉથી કહ્યું છે.
24પણ તે દહાડાઓમાં, એ વિપત્તિ પછી,
સૂરજ અંધકારરૂપ થઈ જશે,
ને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે;
25ને આકાશના તારાઓ ખરવા લાગશે,
ને આકાશમાંના પરાક્રમો હલાવાશે.
26અને ત્યારે તેઓ માણસના દીકરાને બહુ પરાક્રમ તથા મહિમા સહિત વાદળામાં આવતો જોશે. 27અને ત્યારે તે પોતાના દૂતોને મોકલીને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી ચારે દિશાથી પોતાના પસંદ કરેલાઓને એકઠા કરશે.
28હવે અંજીરી પરથી તેનું દૃષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી જ હોય છે. ને પાંદડા ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. 29એમ જ, તમે પણ જ્યારે તે બધા થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે તે પાસે, એટલે બારણા આગળ જ છે. 30હું તમને ખચીત કહું છું કે, આ બધા પૂરા નહિ થાય ત્યાં સુધી આ પેઢી ગુજરી નહિ જશે. 31આકાશ તથા પૃથ્વી જતા રહેશે, પણ મારી વાતો જતી રહેશે નહિ. 32પણ તે દહાડા તથા તે ઘડી સંબંધી, પિતા વગર કોઈ જાણતો નથી, આકાશમાંના દૂતો નહિ, ને દીકરો પણ નહિ.
33સાવધાન રહો! જાગતા રહીને પ્રાર્થના કરો, કેમ કે તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી . 34તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં પ્રવાસ કરનાર માણસે, પોતાનું ઘર છોડીને, પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોપીને દરવાનને પણ જાગતો રહેવાની આજ્ઞા આપી હોય; 35માટે, તમે જાગતા રહો, કેમકે તમે જાણતા નથી કે ઘરનો ધણી ક્યારે આવશે- સાંજે કે મધ્ય રાત્રે કે મરઘો બોલતી વખતે કે સવારે- 36રખેને, તે અચાનક આવીને, તમને ઊંઘતા જુવે 37અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું: કે જાગતા રહો!"
141હવે બે દહાડા પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું, અને કેવી રીતે તેને દગાથી પકડીને મારી નાખવો, એ વિષે મૂખ્ય યાક્જો તથા શાસ્ત્રીઓ, શોધ કરતા હતા. 2કેમ કે તેઓએ કહ્યું કે, "પર્વમાં નહિ, રખેને લોકોનું હુલ્લડ થાય."
3અને જ્યારે તે બેથનિયામાં સિમોન કોઢીયાના ઘરમાં હતો, જ્યારે ખાવા બેઠો હતો, ત્યારે એક સ્ત્રી, જટામાસીનાં અતિ મુલ્યવાન અત્તરની ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી. અને એ ડબ્બી ભાંગીને, તેણે તેના માથા પર તે રેડ્યું. 4પણ કેટલાએક પોતાના મનમાં નારાજ થઈને કહેવા લાગ્યા કે, "અત્તરનો આવી રીતે બગાડ શા માટે કર્યો? 5કેમ કે એ અત્તર ૩૦૦ દીનાર કરતા વધારે કિમતે વેચી શકાત ને દરિદ્રીઓને અપાત." અને તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી 6પણ ઈસુએ તેઓને કહ્યું કે, "એને રહેવા દો. એને કેમ સતાવો છો? એણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે. 7કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે, અને તમે ચાહો, ત્યારે તમે તેઓનું ભલું કરી શકો છો, પણ હું સદા તમારી સાથે નથી. 8જે તેનાથી બની શક્યું, તે તેણે કર્યું છે. દફનને સારુ અગાઉથી તેણે મારા શરીરને અત્તર ચોળ્યું છે. 9વળી હું તમને ખચીત કહું છું કે, આખા જગતમાં જ્યાં કહી સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે તે એની યાદગીરીમાં, કહેવામાં આવશે."
10અને બારમાનો એક, એટલે યહુદા ઈશ્કારીયોત, મૂખ્ય યાજ્કોની પાસે ગયો એ સારુ કે તે તેઓના હાથમાં તેને સોંપે. 11તેઓ, તે સાંભળીને, ખુશ થયા અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. અને તે તેને પરસ્વાધીન કરવાનો લાગ શોધતો હતો
12અને બેખમીર રોટલીના પર્વને પહેલે દહાડે, લોકો પાસ્ખા યજ્ઞ કરતા હતાં, ત્યારે તેના શિષ્યો તેને પૂછે છે કે, "તું પાસ્ખા ખાય માટે અમે, ક્યા જઇને, તૈયારી કરીએ એ વિષે તારી શી ઈચ્છા છે?" 13અને તે પોતાના શિષ્યોમાના બે ને મોકલે છે ને તેઓને કહે છે કે, "શહેરમાં જાઓ, ને પાણીનો ઘડો લઈ જતો એક માણસ તમને મળશે. તેની પાછળ પાછળ જાઓ. 14અને જ્યાં તે પેશે, ત્યાં નાં ઘર ધણીને કહો, 'ઉપદેશક કહે છે કે, "મારે ઉતરવાની ઓરડી ક્યા છે કે જ્યાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?"' 15અને તે તમને એક મોટી મેડી, શણગારેલી ને તૈયાર કરેલી દેખાડશે, ત્યાં આપણે સારુ તૈયારી કરો." 16અને તે શિષ્યો નીકળીને શહેરમાં આવ્યા, ને જેવું તેણે તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું, અને તેઓએ ત્યાં પાસ્ખા તૈયાર કર્યું.
17અને, સાંજ પડી ત્યારે, બારની સાથે તે આવે છે. 18અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે, ઈસુએ કહ્યું કે, "હું તમને ખચીત કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને પરસ્વાધીન કરશે." 19તેઓ શોકાતુર થવા લાગ્યા, અને એક પછી એક તેને પૂછવા લાગ્યા કે, "ખચિત હું નથી?" 20તેણે તેઓને કહ્યું કે, "બારમાનો એક, જે મારી સાથે થાળીમાં બોળે છે તે જ તે છે. 21કેમ કે માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જેનાથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે તે માણસને અફસોસ! તે માણસ જો જન્મ્યો ના હોત તો તે તેને માટે સારુ થાય."
22અને તેઓ ખાતા હતાં ત્યારે, તેણે રોટલી લઈને, ને આશીર્વાદ માંગીને તે ભાંગી, ને તેઓને તે આપીને કહ્યું કે, "લો. આ મારું શરીર છે." 23પછી પ્યાલો લઈને, તથા સ્તુતિ કરીને, તેણે તેઓને તે આપ્યો, અને બધાએ તેમાંથી પીધું. 24અને તેણે તેઓને કહ્યું કે, "કરારનું આ મારું રક્ત છે, કે જે ઘણાંને લીધે વહેવડાવવામાં આવ્યું છે. 25હું તમને ખચીત કહું છું કે જે દહાડે હું ઈશ્વરના રાજ્યમાં નવો નહી પીવું તે દહાડા સુધી હું ફરી દ્રાક્ષાનો રસ પીનાર નથી."
26ત્યાર પછી ભજન ગાઈને, તેઓ જૈતુનનાં પહાડ પર ગયા. 27અને ઈસુ તેઓને કહે છે કે, "તમે સહુ ઠોકર ખાસો, કેમ કે એવું લખેલું છે કે,
'હું પાળકને મારીશ
ને ઘેટાં વિખેરાઈ જશે.'
28પરંતુ મારા પાછા ઉઠ્યા પછી, હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ." 29પણ પિત્તરે તેને કહ્યું કે, "અગર જો સઘળા ઠોકર ખાય, તો પણ હું નહિ." 30અને ઈસુ તેને કહે છે કે, "હું તને ખચીત કહું છું કે, આજ- રાત્રે જ - મરઘો બે વાર બોલ્યા અગાઉ, તું ત્રણ વાર મારો નકાર કરીશ.' 31પણ તેણે બહુ જુસ્સાથી કહ્યું કે, "મારે તારી સાથે મરવું પડે તોપણ, હું તારો નકાર નહી જ કરીશ." સઘળાએ પણ એમ જ કહ્યું.
32અને તેઓ ગેથશેમાને નામે એક જગાએ આવે છે, તે પોતાના શિષ્યોને કહે છે કે, "હું પણે જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહી બેસો." 33અને તે પોતાની સાથે પિતર યાકૂબ તથા યોહાનને લઈ જાય છે અને તે બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યો. 34પછી તે તેઓને કહે છે, "મારો જીવ મરવા જેવો, અતિ શોકાતુર છે. અહી રહીને જાગતા રહો." 35અને થોડે આગળ જઈને, તેણે ભોય પર પડીને પ્રાર્થના કરી કે, જો બની શકે તો, આ ઘડી મારાથી દૂર થાઓ. 36અને તેણે કહ્યું કે, "અબ્બા, પિતા, તારાથી બધું થઈ શકે છે. આ પ્યાલો મારાથી દૂર કરજે. તોપણ મારી ઈચ્છા પ્રમાણે નહિ, પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ." 37પછી તે પાછો આવે છે ને તેઓને ઊંઘતા જુવે છે, અને પિતરને કહે છે કે," સિમોન, શું તું ઊંઘે છે? શું તું એક ઘડી પણ જાગતો રહી શકતો નથી? 38જાગતા રહો અને પ્રાર્થના કરો કે, તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે ખરો, પણ દેહ અબળ છે." 39અને ફરી, તેણે જઈને, એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી. 40અને ફરીથી, પાછા આવીને, તેણે તેઓને ઊંઘતા જોયા, કેમ કે તેઓની આંખો ઘેરાયેલી હતી, ને તેને શો જવાબ દેવો એ તેઓ જાણતા ન હતા. 41અને તે ત્રીજા વાર આવીને તેઓને કહે છે કે, "શું તમે હજું ઊંઘ્યા કરો તથા આરામ લો છો? બસ છે! તે ઘડી આવી પહોંચી છે. જુઓ, માણસનો દીકરો પાપીઓના હાથોમાં સ્વાધીન કરાય છે. 42ઉઠો, આપણે જઈએ. જુઓ, મને જે પરસ્વાધીન કરે છે તે પાસે આવ્યો છે." 43અને તે બોલતો હતો તે જ પળે, બારમાનો એક, એટલે યહુદા, ને તેની સાથે મુખ્ય યજકોની તથા શાસ્ત્રીઓની તથા વડીલોની પાસેથી, ઘણા લોક તરવારો તથા સોટા લઈને પાસે આવે છે. 44હવે તેને પરસ્વાધીન કરનારે તેઓને એવી નિશાની આપી હતી કે, "જેને હું ચૂમીશ, તે જ તે છે. તેને પકડીને ચોકસાઈથી લઈ જજો." 45ને તે આવ્યો કે, તરત ઈસુની પાસે જઈને તે કહે છે કે, "રાબ્બી," અને તે તેને ચૂમ્યો. 46અને તેઓએ તેના પર હાથ નાખ્યો ને તેને પકડી લીધો. 47પણ પાસે ઉભા રહેનારાઓમાંના, એકે તેની તરવાર તાણીને, મુખ્ય યાજકના દાસને મારીને તેનો કાન કાપી નાખ્યો. 48અને જવાબ આપતાં ઈસુએ તેઓને કહ્યું કે, "જેમ લુંટારાની સામે આવતા હો તેમ, તમે તરવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યો છે શું? 49હું દરરોજ તમારી આગળ ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ને તમે મને પકડ્યો નહિ. પણ શાસ્ત્રવચન પૂરા થાય માટે આમ થાય છે." 50પછી સઘળા તેને મુકીને, તેઓ નાસી ગયા.
51અને એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું લૂગડું ઓઢેલું હતું, ને તે તેની પાછળ પાછળ આવતો હતો, તેઓએ તેને પકડ્યો, 52પણ તે, લૂગડું મૂકીને, ઉઘાડે ડીલે તેઓ પાસેથી નાસી ગયો.
53અને તેઓ ઈસુને પ્રમુખ યાજક પાસે લઈ ગયા, અને સર્વ મુખ્ય યાજકો વડીલો તથા શાસ્ત્રીઓ તેની સાથે ભેગા થાય છે. 54હવે પિત્તર ઘણે દૂર રહીને તેની પાછળ પાછળ ચાલતો, ઠેઠ પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો હતો, અને ભાલદારોની સાથે બેસીને અંગારાની રોશનીમાં તાપતો હતો. 55હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તેઓને કઈ જડી નહિ. 56કેમકે ઘણાઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી, પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી. 57અને કેટલાએકે, ઉભા રહીને, તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતા, કહ્યું કે, 58અમે તેને એમ કહેતા સાંભળ્યો કે, 'હાથે બનાવેલા આ ભક્તિસ્થાનને હું પાડી નાખીશ, અને ત્રણ દહાડામાં વગર હાથે બનેલું હોય એવું બીજું ભક્તિસ્થાન બાંધીશ."' 59એમાં પણ તેઓની સાક્ષી મળતી નહોતી. 60પછી પ્રમુખ યાજાકે વચમાં ઊભાં થઈને, ઈસુને પૂછ્યું કે "શું તું કઈ ઉત્તર આપતો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?" 61પણ તે છાનો રહ્યો ને કઈ ઉત્તર દીધો નહિ. ફરી પ્રમુખ યાજક તેને પૂછે છે કે, "શું તું સ્તુતીમાનનો દીકરો, ખ્રિસ્ત છે?" 62ઈસુએ તેને કહ્યું કે, "હું છું;
અને માણસના દીકરા ને
પરાક્રમની જમણી બાજુએ બેઠેલો
તથા આકાશના વાદળા સહીત આવતા તમે દેખશો."
63અને પ્રમુખ યાજક, પોતાના લૂગડાં ફાડીને, કહે છે કે, "હવે આપણને બીજી સાક્ષીની શી અગત્ય છે? 64તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે. તમને શું લાગે છે?" સર્વએ તેને મરણ દંડને યોગ્ય ઠરાવ્યો. 65પછી કેટલાક તેના પર થુકવા તથા તેનું મોઢું ઢાકવા લાગ્યા તથા તેને મુક્કીઓ મારીને તેને કહેવા લાગ્યા કે, "ભવિષ્યવાણી કર!" અને ભલદારોએ તેને તમાચા માર્યા
66હવે પિત્તર નીચે ચોકમાં હતો ત્યારે, પ્રમુખ યાજકની એક દાસી ત્યાં આવે છે. 67અને પિત્તરને તાપતો જોઈને, તેને નિહાળીને કહે છે કે, "તું પણ ઈસુ નાઝારીની સાથે હતો." 68પણ તેણે ઇન્કાર કરીને, કહ્યું કે, "તું શું કહે છે તે હું જાણતો નથી, તેમ સમજતો પણ નથી." પછી તે બહાર, પરસાળમાં ગયો. 69પછી તે દાસી, તેને ત્યાં જોઈને, પાસે ઉભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી કે, "એ તેઓમાનો છે." 70પણ તેણે ફરી ઇન્કાર કર્યો. થોડી વાર પછી પાસે ઉભા રહેનારાઓએ પિત્તર ને ફરી કહ્યું કે, "ખરેખર તું તેઓમાનો છે, કેમ કે તું ગાલીલનો છે." 71પણ તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, "જે માણસ વિષે તમે બોલો છો તેને હું ઓળખતો જ નથી." 72અને તરત મરઘો બીજી વાર બોલ્યો, ઈસુએ પિતરને જે વાત કહી હતી: "મરઘો બે વાર બોલ્યા અગાઉ, તું ત્રણ વાર મારો નકાર કરીશ," તે તેને યાદ આવી, અને ભાંગી પડીને તે રડ્યો.
151અને સવાર થઈ કે તરત, મૂખ્ય યાજ્કોએ વડીલો શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભા સાથે મળીને મનસૂબો કર્યો, ને ઈસુને બાંધીને લઈ ગયા ને તેને પિલાતને સોંપી દીધો. 2પિલાતે તેને પૂછ્યું કે, "શું તું યહૂદીઓનો રાજા છે?" તેણે, તેને ઉત્તર આપતા કહ્યું કે, "તું કહે છે તે જ હું છું." 3અને મૂખ્ય યાજ્કોએ તેના પર ઘણાં તહોમત મૂક્યા. 4હવે પિલાતે ફરી તેને પૂછ્યું કે, "તું કઈ જ ઉત્તર દેતો નથી? જો તેઓ તારા પર કેટલા બધાં તહોમત મૂકે છે!" 5પણ ઈસુએ બીજો કઈ ઉત્તર દીધો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય લાગ્યું
6હવે આ પર્વમાં, તેઓ જે એક બંદીવાનને માંગે તેને તે છોડી દેતો. 7હવે કેટલાએક દંગો કરનારાઓએ દંગામાં ખૂન કર્યું હતું , અને તેઓની સાથે કેદમાં પડેલો એવો એક બરબ્બાસ નામનો માણસ હતો. 8અને લોકો ઉપર ચઢીને, તેને વિનંતી કરવા લાગ્યા કે જેમ તું અમારે સારુ હંમેશા કરતો તે પ્રમાણે કર 9અને પિલાતે તેઓને ઉત્તર આપ્યો કે, "શું તમારી મરજી એવી છે કે હું તમારે સારુ યહુદીઓના રાજાને છોડી દઉં? 10કેમ કે તે જાણતો હતો કે મૂખ્ય યાજ્કો એ અદેખાઈને લીધે તેને સોંપી દીધો હતો. 11પણ મૂખ્ય યાજ્કોએ ટોળાને ઉશ્કેર્યા કે તે તેઓને વાસ્તે બરબ્બાસને છોડી દે. 12પણ પિલાતે ફરી તેઓને પૂછ્યું કે, "તેથી જેને તમે યહૂદીઓનો રાજા કહો છો તેને હું શું કરું?" 13પણ તેઓએ ફરી બૂમ પાડી કે, "તેને વધસ્તંભે જડાવ!" 14પણ પિલાતે તેઓને પૂછ્યું કે, "શા માટે તેણે શું ભૂંડું કર્યું છે?" પણ તેઓએ વિશેષ બૂમ પાડી, કે "તેને વધસ્તંભે જડાવ." 15ત્યારે પિલાતે, લોકોને રાજી કરવા ચાહતા તેઓને સારુ બરબ્બાસને છોડી દીધો, કે જેથી ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારુ સોપ્યો.
16હવે સિપાઈઓ તેને, (પ્રેતોર્યુંમ) નામે મહેલમાં લઈ ગયા ત્યાં તેઓએ આખી ટૂકડી એકઠી કરી 17અને તેઓએ તેને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો ને કાંટાનો મુગટ ગુંથીને તેના માથા પર મુક્યો, 18અને તેઓ તેને નમસ્કાર કરવા લાગ્યા "હે, યહુદીઓના રાજા!" સલામ. 19અને તેઓએ તેના માથા પર સોટી મારી, અને તેના પર થુંક્યા અને ઘુંટણ ટેકીને તેની આગળ નમ્યા. 20અને તેની ઠઠા કરી રહ્યાં પછી, તેઓએ તેના પરથી જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો ને તેના પોતાના લુંગડા તેને પહેરાવીને તેઓ તેને વધસ્તંભે જડવા સારુ બહાર લઈ ગયા. 21અને સિમોન કરીને કુરેનીનો એક માણસ જે આલેક્સાંદરનો તથા રુફ્સનો બાપ હતો, તે સીમમાંથી આવતા ત્યાં થઈને જતો હતો કે તેની પાસે તેઓએ બળત્કારે તેનો વધસ્તંભ ઉચકાવ્યો.
22અને ગુલગુથા નામની જગા (જેનો અર્થ "ખોપરીની જગા છે") ત્યાં તેઓ તેને લાવે છે. 23અને તેઓએ બોળ મિશ્રિત દ્રાક્ષારસ તેને પીવાને આપવા માંડ્યો, પણ તેણે તે લીધો નહિ. 24તેઓએ તેને વધસ્તંભે જડ્યો ને પ્રત્યેકે તેના વસ્ત્રનો કયો ભાગ લેવો તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી, ને તેઓએ તે માંહોમાંહે વહેચી લીધા. 25હવે દિવસના ત્રીજે કલાકે, તેઓએ તેને વધસ્તંભે જડ્યો. 26અને તેના ઉપર તેઓએ એવું તહોમતનામું લખ્યું હતું કે: "યહૂદીઓનો રાજા." 27અને તેની સાથે તેઓએ બે લુંટારાને વધસ્તંભે જડ્યા, એકને તેની જમણી તરફ ને બીજાને તેની ડાબી તરફ. 28['ને તે અપરાધીઓમાં ગણાયો' એવું જે શાસ્ત્રવચન તે પૂરું થયું.] 29અને પાસે થઈને જનારાઓએ, તેની નિંદા કરી, તથા તેઓના માથા હલાવીને કહ્યું કે, "વાહ રે! ભક્તિસ્થાનને પાડી નાખનાર તથા ત્રણ દહાડામાં તેને પાછુ બાંધનાર, 30તું પોતાને બચાવ, ને વધસ્તંભ પરથી ઉતરી આવ!" 31એ જ પ્રમાણે, મુખ્ય યાજ્કોએ, માંહોમાંહે શાસ્ત્રીઓ સુદ્ધાં તેના ઠઠા કરીને કહ્યું કે, "તેણે બીજાઓને બચાવ્યા; પણ તે પોતાને બચાવી શકતો નથી. 32ઈસ્રાએલનો રાજા, ખ્રિસ્ત, હમણાં વધસ્તંભ પરથી ઉતરી આવે કે અમે જોઇને વિશ્વાસ કરીએ," વળી જેઓ તેની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેની નિંદા કરી.
33અને છઠો કલાક થયો ત્યારે, આખા દેશમાં નવમાં કલાક સુધી અંધકાર છવાઈ રહ્યો. 34અને નવમાં કલાકે, ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી કે, "એલોઈ, એલોઈ, લમાં શબક્થની?" એટલે, "મારા ઈશ્વર, મારા ઈશ્વર, તેં મને કેમ મૂકી દીધો છે?" 35અને જેઓ પાસે ઊભા રહેલા હતા તેઓમાંના, કેટલાએકે તે સાંભળીને કહ્યું કે, "જુઓ, તે એલિયાને બોલાવે છે." 36ત્યારે એક માણસે, દોડીને સરકાથી વાદળી ભરીને, લાકડીને ટોચે તેને બાંધીને, તેને તેચૂસવા આપીને, કહ્યું કે, "રહેવા દો! આપણે જોઈએ કે એલિયા તેને ઉતારવાને આવે છે કે નહી!" 37અને ઈસુએ, મોટી બૂમ પાડીને, તેનો પ્રાણ છોડ્યો. 38અને ભક્તિસ્થાનનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા. 39જે સુબેદાર તેની સામે ઊભો હતો, તેણે જોયું કે એણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે, "ખરેખર આ માણસ ઈશ્વરનો દીકરો હતો." 40કેટલીક સ્ત્રીઓ પણ વેગળેથી જોતી હતી, તેઓમાં મગ્દ્લાની મરિયમ અને નાના યાકૂબ તથા યોસેની મા મરિયમ અને સલોમી હતી 41જ્યારે, તે ગાલીલમાં હતો, ત્યારે તેઓ તેની પાછળ ચાલીને તેની સેવા કરતી હતી, અને તેની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી.
42અને સાંજ પડી ત્યારે, સિદ્ધિકરણનો દિવસ, એટલે વિશ્રામવારનો આગલો દિવસ હતો માટે, 43ન્યાયસભાનો એક માનવંતો સભાસદ અરીમથાયનો યૂસુફ આવ્યો, કે જે પોતે પણ દેવના રાજ્યની વાટ જોતો હતો, તેણે હિમત રાખીને પિલાતની પાસે જઇને ઈસુનું શબ માંગ્યું. 44હવે પિલાત અચરતી પામ્યો કે શું તે એટલામાં મરી ગયો હોય, તેણે સુબેદારને પોતાની પાસે બોલાવીને, તેણે પૂછ્યું કે તે મૃત્યુ પામ્યો છે. 45અને સુબેદાર પાસેથી તે વિષે તેને ખબર મળી ત્યારે, તેણે યુસફને શબ અપાવી. 46અને તેણે શણનું લૂગડું વેચાતું લીધું, ને તેને ઉતારીને, તેને તે શણનાં લુગડાંમાં વીટાળ્યો, ને ખડકમાં ખોદેલી એક કબરમાં તેને મુક્યો, અને તે કબરના મો આગળ એક પથ્થર ગબડાવી મુક્યો, 47તેને ક્યાં મુક્યો હતો એ મગ્દલાની મરિયમ તથા યોસેની મા મરિયમે જોયું.
161અને વિશ્રામવાર વીતી ગયા પછી, મગ્દ્લાની મરિયમ યાકૂબની મા મરિયમ તથા શલોમી, તેઓએ તેને ચોળવા સારુ સુગંધી દ્રવ્યો વેચતા લીધા. 2અઠવાડિયાને પહેલે દહાડે, મોટે પરોઢિયે સૂરજ ઉગતે, તેઓ કબરે આવે છે. 3તેઓ માંહોમાંહે કહેતી હતી કે, "આપણે વાસ્તે કબરના મો આગળથી પથ્થર કોણ ગબડાવશે?" 4તેઓ નજર કરીને જુએ છે કે, પથ્થરતો ગબડી ગયેલો છે, તે બહુ મોટો હતો. 5તેઓએ કબરમાં પેશીને, સફેદ જામો પહેરેલા અને જમણી તરફ બેઠેલા એક જુવાન માણસને જોયો, તેથી તેઓ અચરત થઈ. 6પણ તે તેઓને કહે છે કે, "અચરત ન થાઓ. વધસ્તંભે જડાયેલા ઈસુ નાઝારીને, તમે શોધો છો. તે ઉઠ્યો છે તે અહી નથી. જુઓ જે જગાએ તેને મુક્યો હતો તે આ છે. 7પણ તમે જાઓ, તેના શિષ્યોને તથા પિત્તરને કહો કે, 'તે તમારી અગાઉ ગાલીલમાં જાય છે. જેમ તેણે તમને કહ્યું હતું, તેમ તમે ત્યાં તેને જોશો."'
8અને પછી તેઓ બહાર નીકળીને, કબરની પાસેથી દોડી ગઈ, કેમ કે તેઓને ભયથી ધ્રુજારી આવી અને અચંબો લાગ્યો. તેઓએ કોઈને કઈ કહ્યું નહિ કેમ કે તેઓ બીધી હતી. 9[અઠવાડીયાના પહેલા દહાડાને પ્રભાતે, તે પાછો ઉઠીને, મગ્દ્લાની મરિયમ જેનામાંથી તેણે સાત ભૂત કાઢ્યાં હતા, તેને તે પહેલો દેખાયો. 10જેઓ તેની સાથે રહેલા હતા અને શોક તથા રુદન કરતા હતા ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી. 11અને તે જીવતો છે ને તેના જોવામાં આવ્યો છે, પણ એ સાંભળીને તેઓએ માન્યું નહિ.
12તે પછી, તેઓમાંના બે જણ ચાલતા ગામડે જતા હતા, એટલામાં તે બીજા રૂપમાં તેઓને દેખાયો. 13તેઓએ જઈને, બાકી રહેલાઓને તે કહ્યું, પણ તેઓએ તેઓનું કહેવું માન્યું નહિ.
14તે પછી, અગિયાર શિષ્યો જમવા બેઠા હતા ત્યારે તે તેઓને દેખાયો, તેણે તેઓના અવિશ્વાસ તથા કઠણ હદયને લીધે તેઓને ઠપકો દીધો, કેમ કે તેના પાછા ઊઠ્યા પછી જેઓએ તેને જોયો હતો તેઓનું તેઓએ માન્યું નહોતું. 15તેણે તેઓને કહ્યું કે, "આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને, સુવાર્તા પ્રગટ કરો. 16જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે તે તારણ પામશે. પણ જે વિશ્વાસ નહિ કરે તે અપરાધી ઠરશે. 17વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે: મારે નામે તેઓ ભૂતો કાઢશે. તેઓ નવી બોલીઓ બોલશે. 18તેઓ સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓ કઈ પ્રાણઘાતક વસ્તુ પીએ, તો તેઓને કઈ પણ ઈજા થશે નહિ. તેઓ માંદાઓ પર હાથ મુકશે, એટલે તેઓ સાજા થશે."
19પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી, આકાશમાં લઈ લેવાયો ને દેવને જમણે હાથે બેઠો. 20તેઓએ ત્યાંથી જઈને, બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી, પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતો અને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબીત કરતો. આમેન.]